– ધૂરંધર નેતાઓની ખુરશી છીનવી લીધા પછી મંત્રી બનેલા કોંગ્રેસના પાંચ બળવાખોરો ન ઘરના રહ્યા,ન ઘાટના રહ્યા : ટિકિટ મળવાના ચાન્સ ઓછા દેખાઇ રહ્યા છે
– ગુજરાતના ઓપરેશનનો મુખ્ય હીરો બીએલ સંતોષ છે, પાર્ટી અને સંઘ પરિવારનો ઉભરતો ચહેરો
ગાંધીનગર : ગુજરાતમાં ભાજપના રાજકારણ માટે સ્ટ્રોંગ મેસેજ છે કે ‘વિરોધ કર્યો છે તો ખેર નથી. સરકારમાં બહું કામ કર્યું છે હવે સંગઠનમાં કામ કરો અને વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરો.’ આ મેસેજ કેન્દ્રીય નિરીક્ષકોએ ગુજરાતને આપ્યો છે.
* ગુજરાતમાં દિલ્હી દરબારની સૂચનાનું કડક પાલન કરવામાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ સફળ રહ્યાં છે.નારાજ પૂર્વ મંત્રીઓને સમજાવવામાં અને મનાવવામાં તેમનો હાથ ઉપર રહ્યો છે.ગુજરાતના ઘટનાક્રમનો હીરો બીએલ સંતોષ છે. દેશના ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં જે સ્ટાઇલથી ઓપરેશન પાર પાડયું છે તેવું જ ઓપરેશન તેમણે ગુજરાતમાં પણ પાર ઉતાર્યું છે.
* કોંગ્રેસમાંથી આવીને સીધા મંત્રી બની ચૂકેલા પાંચ સભ્યો ‘કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, જયેશ રાદડિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની હકાલપટ્ટી કરવામાં આવી છે.હવે આ પાંચ નેતાઓને વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણીની ટિકીટ મળે તેવી સંભાવના દેખાતી નથી.
* જેમની કલ્પના પણ કરી ન શકાય તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેબિનેટ મંત્રી સૌરભ પટેલ,આરસી ફળદુ અને રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પડતા મૂકવાની હિંમત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે અને એવો મજબૂત મેસેજ આપ્યો છે કે – સરકારમાં કોઇ કાયમી નથી. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ધરતી પર આવી શકે છે અને ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આસમાને પહોંચી શકે છે.
* મંત્રી બનવા માટે અનુભવ કે કાબેલિયતની આવશ્યકતા નથી તેવું ભાજપની લીડરશીપે બતાવ્યું છે. માત્ર ગુજરાત જ નહીં દેશના અન્ય ભાજપ શાસિત રાજ્યોને એક સંદેશ મોકલ્યો છે કે પાર્ટી ઇચ્છે તેને મુખ્યમંત્રી કે મંત્રી બનાવી શકે છે.
* ગુજરાતમાં સતત ત્રીજી વખત મુખ્યમંત્રીપદના દાવેદાર એવા નીતિન પટેલને પણ રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.ગુજરાતના સિનિયર મંત્રીઓનો હવે પાર્ટી સંગઠનમાં ભરપૂર ઉપયોગ કરવા માગે છે. સરકારમાં એક તબક્કે મંત્રીતરીકે રહી ચૂકેલા આઇકે જાડેજા વર્ષોથી સંગઠનમાં કામ કરી રહ્યાં છે તેમ હવે આ સિનિયર મંત્રીઓ પણ સંગઠનમાં કામ કરશે.
* ગુજરાતમાં સોલાર પાવર પોલિસીની ઘોર ખોદી નાંખનારા ઉર્જા મંત્રી સૌરભ પટેલની ઉર્જા હણાઇ ચૂકી છે.પાવર હોય તો આસમાને ઉડવાની તેમની આદતને ધરતી પર લાવી દેવામાં આવી છે.ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મોટું મૂડીરોકાણ કરવા માગતી કંપનીઓના રોકાણને ડૂબાડીને સૌરભ પટેલે ગુજરાત સરકાર અને સોલાર મિશનના ઇરાદાને મોટું નુકશાન કર્યું છે.
* ગુજરાતમાં મંત્રી બનેલા 90 ટકા સભ્યોએ પહેલીવાર સચિવાલયના સ્વર્ણિમ સંકુલની કેબિનેટ બેઠકમાં પ્રથમવાર ભાગ લીધો છે.રાજ્ય સરકારની વહીવટી પ્રક્રિયા પહેલીવાર તેઓએ જોઇ છે.કેબિનેટમાં મુખ્યમંત્રી અને કેબિનેટના સભ્યોએ કેવી રીતે વર્તવાનું હોય છે તે અનુભવ્યું છે.ખાતાની ફાળવણીમાં મોટાભાગના આ નવા ચહેરાઓની ખુશીનો પાર ન હતો.
* ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના વિસ્તાર એવા દક્ષિણ ગુજરાતમાં કુલ 24 ધારાસભ્યો છે જે પૈકી તેઓ સાત ધારાસભ્યોને મંત્રી બનાવી ચૂક્યાં છે.બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિસ્તાર સૌરાષ્ટ્રમાંથી પણ સાત ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.મધ્ય ગુજરાતને પણ પાંચ મંત્રી મળ્યા છે.જોકે પાંચ જિલ્લા ધરાવતા ઉત્તર ગુજરાતમાંથી માત્ર ત્રણ ધારાસભ્યો મંત્રી બન્યાં છે.