– કોંગ્રેસ નેતાએ ભાજપ MLA હર્ષ સંઘવીને લખ્યો પત્ર
– જયરાજસિંહે સુરતના ધારાસભ્યને લખ્યો ખુલ્લો પત્ર
– કોંગ્રેસે 5000 ઇંજેક્શન ખરીદી મુદ્દે માંગ્યો ખુલાસો
– ઇન્જેક્શન આપનાર મિત્રોના નામ જાહેર કરવા માંગ
– ઇન્જેક્શન ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા?
– ઇન્જેક્શન રોકડથી ખરીદ્યા કે ચેક થી?
હાલમાં ગુજરાતમાં કોરોનાનાં કારણે સ્થિતિ બેકાબુ બની છે.સતત વધતા કેસનાં કારણે હોસ્પિટલોમાં ભીડ ઉમટી પડી છે.હોસ્પિટલમાં બેડ્સ,ઇન્જેક્શન ખૂટી પડ્યા છે,ત્યારે આ સમયે કોંગ્રેસનાં નેતાએ ભાજપ MLA હર્ષ સંઘવીને ઓપન લેટર લખ્યો છે,જેમા 5 હજાર ઇન્જેક્શનની ખરીદી મુદ્દે ખુલાસો માંગ્યો છે.
આપને જણાવી દઇએ કે,રાજ્યમાં ચો તરફ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.ત્યારે ખાસ કરીને હાલમાં હોસ્પિટલમાં રેમેડેસિવિર ઇન્જેક્શનની ઘટ પડી ગઇ છે.આ ઇન્જેક્શનને મેળવવા માટે લોકો ખૂબ દોડી રહ્યા છે,ઘણાા નસીબદાર છે કે જેમને આ ઇન્જેક્શન મળી જાય છે તો ઘણા એવા પણ છે કે,જેઓ આ ઇન્જેક્શન ન મળતા ખૂબ હેરાન પરેશાન થઇ રહ્યા છે.વળી આ વચ્ચે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જયરાજસિંહે ભાજપ ધારાસભ્ય હર્ષ સંઘવીને ઓપન લેટર લખ્યો છે,જેમા તેમણે રેમેડેસિવિર ઇન્જેક્શનની ખરીદી મુદ્દે ખુલાસો કરવાની માંગ કરી છે.વિશેષમાં તેમણે આ ઇન્જેક્શન આપનાર મિત્રોનાં નામ,આ ઇન્જેક્શન લખનાર ડોક્ટરનું નામ,ખરીદવાનાં પૈસા ક્યાંથી આવ્યા અને તેની રોકડથી કે ચેકથી ખરીદી કરી આવી અલગ-અલગ સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.
જયરાજસિંહે લખ્યો ખુલ્લો પત્ર જેના અંશ નીચે મુજબ છે .
સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે તમને ટીવી પર ઘણા ઉશ્કેરાયેલા જોયા જેને લઈને થોડી ચિંતા થઈ. આપણે જાહેરજીવનમાં હોઈએ વળી સત્તામાં હોઈએ અને પ્રજાને જીંદગી માટે ટળવળતા જોઈએ,જીવનના એક એક શ્વાસ ઊછીનો લેવા પરિજનોને આમ તેમ આથડતા જોઈએ તો અકળામણ થાય એ સ્વાભાવિક પણ છે મિત્ર,મને તમારો ખોટી દીશાનો અતિ આક્રોશ અને ઉશ્કેરાટ સમજાયો નહી.
શાંત ચિત્તએ સેવા કરવા માટેની પૂર્વ શરત છે.વળી જબરજસ્તીથી તો આપણને કોઈ જાહેરજીવનમાં લાવ્યુ નથી તમને કે મને અથવા કોઈ પણ જાહેર જીવનના વ્યક્તિને પ્રજાએ કંકોતરી લખીને બોલાવ્યા નથી અને કહ્યું પણ નથી કે તમે આવો અને અમારી સેવા કરો.જાહેરજીવન અને રાજનીતિ એ આપણે જાતે સ્વીકારેલો વ્યવસાય છે માટે થાય એટલું કરવું કારણકે સેવા માટે ઇચ્છાશક્તિ હોય બળજબરી નહીં માટે તમે જે કરો એ બધા જ કરવા જોઈએ એ આગ્રહ શા માટે રાખો છો ?
તમે જ્યાં સેવા કરી રહ્યા છો એ જ વિસ્તારના આપ ચૂંટાયેલા પ્રતિનિધિ છો,એટલે તમારી ફરજ પણ છે જ અને ભવિષ્યના સ્વાર્થનું સંધાન પણ હોઈ શકે એટલે તમે એના માટે બિનજરૂરી કોંગ્રેસને ગાળો કેમ આપી એ ના સમજી શકાયું.આપે અને આપના રાજકીય ગુરુ પાટીલજી બંને દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન માત્ર સુરતને બદલે ગુજરાતની બીજી કોવીડ હોસ્પિટલ્સમાં સપ્રમાણ વહેંચણી કરીને બધાજ ગુજરાતીઓની ચિંતા કરી હોત તો એમાં ક્યાંક સેવાનો ભાવ દેખાત પરંતુ એકલા સુરતમાં કરવાથી સ્વાર્થ ડોકિયા કરતો દેખાય છે છતાં પણ કંઈક સારું તો કર્યું એ માટે ધન્યવાદ પણ પોતાનું શર્ટ બીજાના શર્ટ કરતા વધુ સફેદ દેખાડવાની લ્હાયમાં બિનજરૂરી વિપક્ષને ઢસડી લાવ્યા છો.
આપ ગુજરાતના જાહેર જીવનના એક મહામુલા રાજનેતા છો એટલે અને એક મિત્ર હોવાના નાતે આપની તબિયતની પણ ચિંતા છે કેમકે યુવાનીમાં જ મગજનું સંતુલન બગડે તે ભવિષ્યની રાજનિતિ માટે ઠીક નહી.થોડા ટાઢા પડી સમજો તો બધુય સમજાઈ જશે.
આપનો ઉશ્કેરાટ વ્યાજબી હતો માત્ર ઠાલવવાની જગ્યા ખોટી છે અને એ માટેની મજબુરી હું સમજુ છું.આખા ગુજરાતની પ્રજા કોરોનાની મહામારી અને સરકારની લાપરવાહીથી ત્રસ્ત છે,હોસ્પિટલમાં બેડ,દવા,ઈન્જેક્શન,ઓક્સિજન ના અભાવે લોકો મોતના મોઢામાં ધકેલાઈ રહ્યાં છે.મોત બાદ પણ સરકારી તંત્રની નિર્દયતા લોકોનો સ્મશાન સુધી પીછો ના છોડતા ત્યાં પણ ટોકન પકડાવી મૃતદેહોને લાઈનમાં ઉભા રહેવા મજબુર કરવામાં છે તો આપણને સૌને ઉશ્કેરાટ આવે તે સ્વાભાવિક છે.
સુરત અને નવસારીના મત આપનાર લોકોને પોતાના સ્વજનોને મોતથી બચાવવા દર દર ભટકવુ પડે છે.ભર તડકે લાઈનોમાં ઉભુ રહેવુ પડે,કાળાબજારમાં દસ ગણા રૂપીયા આપી ઈન્જેકશન મેળવવા પડે છે.અમને આ વાતનું દુખ છે.તમે જ વિચારો કે ઈન્જેક્શનના અભાવે લોકોનો જીવ જોખમમાં મુકાય એ સ્થિતિ અને ગેરવહીવટ માટે જવાબદાર કોણ ? આજે હોસ્પિટલમાં પુરતા બેડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી એ સ્થિતિ માટે સરકારની જવાબદારી સરકારની છે કે વિપક્ષની ?
તમે કોંગ્રેસને કેમ ચેલેન્જ આપો છો ભાઈ ? કોંગ્રેસ સત્તામાં છે ? કોંગ્રેસની સરકાર તમારા ઘરના બારણે આવીને પોલિયોના ટીંપા પીવડાવી ગઈ હતી એ તમારા પૂજ્ય પિતા કે પૂજ્ય માતાને પૂછી શકો છો.ચેલેન્જ ઉપાડવી હોય તો એક પણ દર્દી હોસ્પિટલમાં બેડ વગર નહી રહે એની ઉપાડો.સરકારી દરે ખાનગી દવાખાનાઓમાં સારવાર મળે એની ખાત્રી આપો.ઓક્સીજન કે ઈન્જેક્શનની અછત નહી વર્તાય એનો પડકાર ઝીલો.
અમે પુછેલા સવાલોના જવાબ આપવાની ચેલેન્જ ઉપાડો.
૧.પાટીલજીના કેટલા મિત્રો એ કયા કયા રાજ્યોથી આ ઈન્જેક્શન ખરીદ્યા ?
૨.કઈ મેડીકલ એજન્સી પાસેથી આ ઈન્જેક્શન ખરીદ્યા ?કોના નામે કોના પ્રિસ્ક્રિપ્શન પર ખરીદ્યા ?
૩.કેટલી ઈનવોઈસ પર ખરીદાયા ?
૪.રોકડે લીધા કે ચેક થી લીધા ?
૫.સરકારી કાયદા મુજબ વ્યક્તિ દીઠ છ ઈન્જેક્શનથી વધુ સ્ટોક કરવો ગેરકાયદે છે તો આ સ્ટોક કોણે અને ક્યાં કર્યો ? ૬.કમલમને ઈન્જેક્શન વહેચવાનુ લાયસન્સ કોણે આપ્યુ ?
૭.ભારત સરકારના ખોરાક અને ઔષધ નિયમ તંત્ર -૧૯૪૦ ના સેક્શન ૧૮-ક હેઠળ બે વર્ષને સજાપાત્ર ગુનો બને છે એ જાણો છો ?
૮.સુરત કમલમ્ પાસે ડ્રગ લાયસન્સ છે ?
૯.સુરત કમલમ્ પાસે સ્ટોકિસ્ટ તરીકેનું લાયસન્સ છે ?
૧૦.ઇન્જેક્શન જ્યાંથી મેળવ્યા ત્યાં ૫૦૦૦ કોવીડના દર્દીઓનો કોરોના રિપોર્ટ અને હોસ્પિટલ્સની માહિતી રજુ કરી હતી ?
૧૧.આ આખીય બાબતથી વિજયભાઈને કેમ અજાણ રખાયા ?
હિંમત હોય તો જે બુબબરાડા પાડ્યા એટલા જ બૂમબરાડા ફરી પાડી આ સવાલોના જવાબ આપો.


