– લગ્નપ્રસંગમાં ડુમ્મસના યુવાન સાથે મિત્રતા થઇ: બિભત્સ મેસેજ મોકલાવતા મિત્રતા તોડી હતી
સુરત : હજીરા રોડના ભાટપોર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાએ મિત્રતા રાખવાનો ઇન્કાર કરતા મોર્ફ કરેલા નગ્ન ફોટો સગીરાની ફ્રેન્ડને મોકલાવનાર ડુમ્મસના યુવાન વિરૂધ્ધ આઇટી એકટ હેઠળ ફરીયાદ નોંધાવતા ઇચ્છાપોર પોલીસે યુવાનની અટકાયત કરી છે.હજીરા રોડના ભાટપોર ગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો. 8 સુધીનો અભ્યાસ કરનાર અવની (ઉ. વ. 14 નામ બદલ્યું છે) મહિના અગાઉ માસીને ત્યાં લગ્નમાં ગઇ હતી ત્યારે તેનો પરિચય નિલેશ રાઠોડ (રહે. ડુમ્મસ,તા. ચોર્યાસી, જિ. સુરત) સાથે થયો હતો.નિલેશે અવનીને ઇન્સ્ટાગ્રામ પર રીકવેસ્ટ મોકલાવતા બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને તેઓ મોબાઇલ પર વાતચીત પણ કરતા હતા. દરમિયાનમાં નિલેશે બિભત્સ મેસેજ મોકલતા અવનીએ મિત્રતા તોડી નાંખી હતી.
જેથી અકળાયેલા નિલેશે પોતાની સાથે મિત્રતા નહીં રાખે તો તું એકલી મળશે તો હું તને પતાવી દઇશ તેવી ધમકી આપી ગાળો આપી હતી.પરંતુ ગત રાતે નિલેશે અવનીની ફ્રેન્ડને અવનીનો મોર્ફ કરેલો નગ્ન ફોટો મોકલાવ્યો હતો.માત્ર એક મહિનાની મિત્રતામાં નિલેશે મોર્ફ કરેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર તેની ફ્રેન્ડને મોકલાવતા ચોંકી જનાર અવનીએ આ બાબતની જાણ તેની માતાને કરી હતી.માતાએ નિલેશ રાઠોડ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે અટકાયત કરી હતી.