ભારતની વિરૂદ્ધ જુઠ્ઠાણા પર ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF) સાથે ના આવતા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી ભડકયા છે. લશ્કર આતંકી હાફિઝ સઇદના ઘર પાસેથી વિસ્ફોટના બહાને કુરૈશીએ આરોપ મૂકયો કે ભારત પાકિસ્તાનમાં આતંકવાદને વધારી રહ્યું છે.તેમણે એ વાત પર નિરાશા વ્યકત કરી કે આંતરરાષ્ટ્રીય સમુદાય ભારતની વિરૂદ્ધ પાકિસ્તાની ચિંતાઓ પર ધ્યાન આપી રહ્યા નથી.
કુરૈશીએ કહ્યું કે જો સમયસર આંતરરાષ્ટ્રીય સમુદાયે ધ્યાન આપ્યું હોત તો લાહોરમાં જોહર ટાઉન વિસ્તારમાં વિસ્ફોટ ના થયો હોત.પાકિસ્તાની વિદેશ મંત્રીએ દાવો કર્યો કે આ વિસ્ફોટની પાછળ ભારતીય ગુપ્તચર એજન્સી રૉનો હાથ હોવાનો સ્પષ્ટ પુરાવો છે.કુરૈશીએ કહ્યું કે ‘આતંક ફેલાવનાર’ સ્પષ્ટ પુરાવાને જોતા એફએટીએફની એ ડ્યુટી છે કે તેઓ ભારતને પૂછે કે તેઓ શું કામ પાકિસ્તાનમાં આતંકી ગતિવિધિઓમાં મદદ કરી રહ્યા છે.
કુરૈશીએ કહ્યું કે જો એફએટીએફ ભારત આના માટે કહેતું નથી તો આ તેમનો બેવડો માપદંડ દર્શાવે છે.પાકિસ્તાનને આ બેવડા માપદંડની વિરૂદ્ધ આપત્તિ વ્યકત કરવાનો અધિકાર છે.તેમણે કહ્યું કે લાહોર વિસ્ફોટના મુદ્દાને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવશે.જો કે આતંકવાદને પોષતા હોવાથી જ એફએટીએફે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી રાખ્યું છે.પાકિસ્તાન તેની પાસેથી લોન મેળવી શકતું નથી એટલે પરેશાન છે. આની પહેલાં પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુઇદ યુસુફે રવિવારના રોજ આરોપ મૂકયો હતો કે મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડર અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદના ઘરની બહાર એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટની પાછળ એક ભારતીય નાગરિકનો હાથ હતો.
આ વિસ્ફોટ ગયા મહિને થોય હતો.લાહોરના જોહર ટાઉનમાં બોર્ડ ઓફ રેવન્યુ હાઉસિંગ સોસાયટીમાં આવેલ સઇદના ઘરની બહાર 23મી જૂનના રોજ કાર દ્વારા બોમ્બ વિસ્ફોટ કરાયો હતો.જેમાં 3 લોકોના મોત થયા હતા અને બીજા 24 લોકો ઘાયલ થયા હતા.કોઇપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. એનએસએ યુસુફે દાવો કર્યો કે હુમલાના માસ્ટરમાઇન્ડ એક ભારતીય નાગરિક છે.જેનો એક ગુપ્તચર એજન્સી સાથે સંબંધ છે.
ભારતે પાકિસ્તાનના ખોટા દાવાની કાઢી નાંખી હવા
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાય તેના હથકંડાથી અવગત છે અને ઇસ્લામાબાદ દ્વારા આતંકવાદને પ્રાયોજિત કરવાના પ્રમાણને બીજા કોઇએ નહીં પરંતુ તેમના ખુદના નેતૃત્વએ માન્યું છે.આની પહેલાં કુરૈશીએ પણ આરોપ મૂકયો હતો કે તેમના દેશમાં થયેલા કેટલાંક આતંકી હુમલાની પાછળ ભારતનો હાથ છે ત્યારબાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે ભારત વિરોધી પ્રચારની વધુ એક બેકાર કવાયદ છે.ભારતની વિરૂદ્ધ પુરાવાથી તથાકથિત દાવાઓની કોઇ વિશ્વસનીયતા નથી, તે ઘડવામાં આવ્યા છે અને કલ્પના પર આધારિત છે.


