ચીનને કડક સંદેશ આપતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જો કોઇ ભારતને છંછેડશે તો ભારત કોઇને છોડશે નહીં.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપ એક શક્તિશાળી દેશ તરીકે ઊભર્યો છે અને વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન મેળવવા માટે આગળ વધી રહ્યો છે.સાન ફ્રાન્સિસ્કોમાં ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને સંબોધન કરતાં અમેરિકાને પણ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે નવી દિલ્હી એકને નુકસાન પહોંચાડીને બીજાને લાભ આપવાની કુટનીતિમાં માન્યતા ધરાવતું નથી અને એક દેશ સાથેના તેના સંબંધો બીજા દેશના ભોગે હોઇ શકે નહીં.સંરક્ષણ પ્રધાન ભારત-અમેરિકા વચ્ચેની 2+2 પ્રધાનસ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે વોશિંગ્ટનમાં આવ્યા બાદ સાન ફ્રાન્સિસ્કો આવ્યા હતા.રાજનાથે જણાવ્યું હતું કે હું જાહેરમાં ન કહી શકું કે ભારતના સૈનિકોએ ચીન સાથેના ગલવાન સંઘર્ષ વખતે શું કર્યું હતું અને અમે (સરકાર) શું નિર્ણય કર્યો હતો.પરંતુ હું એ ખાતરીપૂર્વક કહી શકું છું કે ચીનને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે ભારત કોઇને પણ છોડશે નહીં.અમેરિકાના દબાણનો સીધો ઉલ્લેખ કર્યા વગર સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ભારત એક દેશને નુકસાન કરીને બીજાને લાભ કરાવવાની નીતિમાં માનતો નથી.જો ભારત કોઇ એક દેશ સાથે સારા સંબંધો ધરાવતો હોય તો તેનો અર્થ એવો નથી કે બીજા દેશ સાથે તેના સંબંધો કથળી જાય.ભારતે ક્યારેય આવી કુટનીતિ અપનાવી નથી અને અપનાવશે નહીં.

