નવી દિલ્હી,
ફિચ રેટિંગ્સે ગુરુવારે ભારતનો ચાલુ વર્ષનો જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને માત્ર 0.8 ટકા કરી દીધો હતો.તેણે કહ્યું હતું કે કોરોના વાયરસ અને તેને પગલે લોકડાઉનને કારણે વૈશ્વિક અસાધારણ મંદી આગળ ધપી રહી છે. ફિચ રેટિંગ્સે તેના ગ્લોબલ ઈકોનોમિક આઉટલૂકમાં ભારતનો 2020-21નો જીડીપી ગ્રોથનો અંદાજ 0.8 ટકા કરી દીધો છે, જે તેણે અગાઉ 4.9 ટકા અંદાજ્યો હતો.જોકે તેના મતે આગામી વર્ષ 2021-22માં તે ઝડપથી વધીને 6.7 ટકા થશે તેવી ધારણા છે.
રેટિંગ એજન્સીએ કહ્યું છે કે આગામી બે ક્વાર્ટરમાં ભારતનો ગ્રોથ નેગેટિવ રહેશે.એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં 0.2 ટકાનો નેગેટિવ ગ્રોથ અને જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં 0.1 ટકાનો નેગેટિવ ગ્રોથ રહેશે. ચાલુ વર્ષના છેલ્લાં ક્વાર્ટરમાં 1.4 ટકાનો ગ્રોથ જોવા મળશે.ફિચના મતે ચાલુ વર્ષમાં કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ખાસ્સું ઘટીને માત્ર 0.3 ટકા રહેવાની ધારણા છે,જે ગત વર્ષે 5.5 ટકા હતું. ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં 3.5 ટકાનો નેગેટિવ ગ્રોથ જોવા મળશે.
રેટિંગ એજન્સીના મતે 2020માં વૈશ્વિક જીડીપીમાં 3.9 ટકાનો નેગેટિવ ગ્રોથ જોવા મળશે. યુરોપના અનેક દેશો કોરોનાના સંકટમાં ગંભીર રીતે સપડાયેલા છે.ઈટાલી માટે તેણે 8 ટકાનો નેગેટિવ ગ્રોથ અંદાજ્યો છે.ઈટાલીમાં સૌથી લાંબું લોકડાઉન જોવા મળ્યું છે.પ્રથમ ક્વાર્ટર(જાન્યુઆરી-માર્ચ)માં તેણે 5 ટકાનો નેગેટિવ ગ્રોથ દર્શાવ્યો હતો.ફ્રાન્સ અને સ્પેને પણ 5 ટકાનો નેગેટિવ ગ્રોથ દર્શાવ્યો હતો.આ અંદાજ મુજબ વૈશ્વિક આવકમાં 2019ની સરખામણીમાં 2.8 લાખ કરોડ ડોલરનો ઘટાડો થશે. કોરોના વાયરસ ત્રાટક્યો તે પહેલાં જે અંદાજ હતો તેના કરતાં આવકમાં 4.5 લાખ કરોડ ડોલરનો ઘટાડો થશે.
કોરોનાના આતંકમાંથી વિશ્વનો કોઈ જ દેશ બચ્યો નથી.ફિચના મતે ઈમર્જિંગ માર્કેટ્સમાં આગામી સમયમાં જીડીપીનો ગ્રોથ હજી પણ ઘટાડવો પડે તેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.કોમોડિટના ભાવ ઘટી ગયા છે.કેપિટલ આઉટફ્લો વધ્યો છે અને નીતિગત રીતે મર્યાદિત પગલાં લઈ શકાય તેમ હોવાથી અનેક દેશોમાં સમસ્યા વધી શકે છે. મેક્સિકો, બ્રાઝિલ, રશિયા, સાઉથ આફ્રિકા અને તુર્કી જેવા દેશોમાં જીડીપીના અંદાજમાં મોટાપાયે ફેરફાર કરાયા છે.ચીન અને ભારતનો ગ્રોથ 2 ટકાથી ઓછો રહેવાની ધારણા વચ્ચે ઈમર્જિંગ માર્કેટ્સમાં સરેરાશ
જીડીપી ગ્રોથ ચાલુ વર્ષે નેગેટિવ રહેવાની ધારણા છે, જે 1980ના દાયકા પછીથી પહેલી વાર જોવા મળશે.તેણે ઉમેર્યું કે ચાલુ વર્ષના બીજા છ માસિક ગાળામાં લોકડાઉન ખૂલશે ત્યારે ક્રૂડ ઓઈલની માંગ વધશે અને ભાવ પણ વધશે તેવી ધારણા છે.