વિશાખાપટ્ટનમ : તા.૧૪ : ગાયકવાડ(૫૭)અને કિશન (૫૪)ની અડધી સદીઓ બાદ હર્ષલ પટેલે ચાર અને ચહલે ત્રણ વિકેટ ઝડપતાં ભારતે ત્રીજી ટી-૨૦માં સાઉથ આફ્રિકા સામે ૪૮ રનથી વિજય મેળવ્યો હતો.આ સાથે ભારતે સતત બે હાર પછી જીતનું ખાતું ખોલાવ્યું હતુ અને પાંચ ટી-૨૦ની શ્રેણી જીવંત રાખી હતી.જીતવા માટેના ૧૮૦ રનના ટાર્ગેટનો પીછો કરતાં પ્રવાસી સાઉથ આફ્રિકા ૧૯.૧ ઓવરમાં જ ૧૩૧ રનમાં સમેટાઈ ગયું હતુ.ક્લાસને સૌથી વધુ ૨૯ રન કર્યા હતા.હવે તારીખ ૧૭મીને શુક્રવારે રાજકોટમાં શ્રેણીની ચોથી ટી-૨૦ રમાશે.
જીતવા માટેના ૧૮૦ના ટાર્ગેટને સાઉથ આફ્રિકા આસાનીથી પાર પાડશે તેમ લાગતું હતુ.જોકે હર્ષલ પટેલ અને ચહલની જોડીએ નિયમિત અંતરે સાઉથ આફ્રિકાની વિકેટો ઝડપીને ભારતને જીત તરફ અગ્રેસર કર્યું હતુ.ક્લાસને ૨૪ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૯ રન નોંધાવ્યા હતા.જ્યારે રેઝા હેન્ડ્રિક્સે ૨૩ અને પારનેલે અણનમ ૨૨ રન કર્યા હતા.હર્ષલ પટેલે ૨૫ રનમાં ચાર અને ચહલે ૨૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

