નવી દિલ્હી : કોરોનાકાળમાં દેશનો વિકાસદર ચાર દાયકાના તળિયે પહોંચ્યો છે અને આગામી સમયમાં રિકવરીની કોઈ આશા નથી સેવાઈ રહી છતા દેશના નાણામંત્રાલયના ટોચના અધિકારીઓ અને મંત્રીઓનું માનવું છે કે ભારત તો આગામી સમયમાં રોકેટ ગતિએ આગળ વધશે અને દેશનો વિકાસદર 19%ના ઉંચા આસમાનને આંબી જશે.
નાણાં મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં ભારતની નોમિનલ જીડીપી 19 ટકાના દરે વૃદ્ધિ કરશે.નોમિનલ જીડીપી એ એક એવું આંકલન છે.જેમાં એક વર્ષમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓનાં મુલ્યોની ગણતરી બજાર મુલ્યો પર કરવામાં આવે છે,પછી જે મૂલ્ય નિકળે છે તેને નોમિનલ જીડીપી કહેવામાં આવે છે.
15માં નાણાપંચના અધ્યક્ષ એન.કે.સિંઘે જણાવ્યું કે આ વિશે ઘણા અનુમાનો છે.મુખ્ય આર્થિક સલાહકારે તેમનાં પ્રેઝન્ટેશનમાં જણાવ્યું છે કે તે 19 ટકા સુધી વધી શકે છે,જ્યારે કેટલાક લોકોએ એમ પણ કહ્યું છે કે તે 21 ટકા સુધી પહોંચી શકે છે.
આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોમિનલ જીડીપી 22.6 ટકા ઘટીને રૂ. 38.08 લાખ કરોડ થયો છે.જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં આ આંકડો 49.18 લાખ કરોડ રૂપિયા હતો.મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સબ્રમણ્યમે કહ્યું છે કે કોરોના રોગચાળાને કારણે ઘટાડા છતાં,ઘણા સેક્ટર પહેલાની તુલનામાં રિકવરીનાં માર્ગ પર છે.તેમણે કહ્યું કે જ્યારે-જ્યારે તમે કેટલાક ચોક્કસ સુધારાને ધ્યાનમાં, જે કૃષિ, શ્રમ, તરફ ખાનગીકરણ પર કરવામાં આવે છે, ત્યારે તે બધા મળીને અર્થતંત્રમાં ઉત્પાદકતામાં વધારો કરેશે અને તેથી વિકાસને પાછા લાવવામાં મદદ કરશે.
તો વળી, મૂડીઝે કહ્યું, “અર્થતંત્ર અને ફાયનાન્સિયલ સિસ્ટમમાં ઉંડા દબાણને કારણે દેશની આર્થિક મજબૂતાઈમાં વધુ ઘટાડો થઈ શકે છે.આ ક્રેડિટ પર દબાણ વધારી શકે છે.મૂડીઝે કહ્યું હતું કે તેમનો અંદાજ છે કે 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5 ટકાનો ઘટાડો થશે.મૂડીઝે કહ્યું છે કે આગામી નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થા 10.6 ટકાની વૃદ્ધિ નોંધાવશે. અગાઉ, વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.5 ટકાનો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે.સ્થાનિક રેટિંગ એજન્સીઓ ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સે ચાલું નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં અનુક્રમે 9 ટકા અને 11.8 ટકાનો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે.