હૈદરાબાદ,તા.૨૪
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે ધર્મનિરપેક્ષતા દરેક ભારતીયના લોહી અને નસમાં છે. લઘુમતી કોમ ભારતમાં જેટલી સુરક્ષિત છે, એટલી વિશ્ર્વના અન્ય કોઇ દેશમાં નથી. આ સાથે એમણે વિશ્ર્વના કેટલાક દેશોને ભારતની આંતરિક બાબતો માટે સલાહ ન આપવા જણાવ્યું હતું.
વારંગલની એક શિક્ષણ સંસ્થાની પ્લેટિનમ જ્યુબિલીના ઉદ્ધાટન વખતે નાયડુએ જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ ‘વસુધૈવ કુટુંબકમ’ની છે. દરેક ધર્મને આદર આપવો અને સર્વ ધર્મ સમભાવ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે અને આપણે એને અનુસરતા રહેવું જોઇએ.
એમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાતા કી જયનો અર્થ ૧૩૦ કરોડ ભારતીયોનો જય થાય છે. કેટલાક દેશો ભારતના આંતરિક મામલામાં દખલ દેતા થયા છે, ત્યારે નાયડુએ એમને જણાવ્યું હતું કે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારત પોતાના આંતરિક મામલાનો ઉકેલ લાવી શકે એમ છે.
વિકાસ માટે શાંતિ પ્રાથમિક જરૂરિયાત છે. લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અને આંદોલન કરવાનો હક છે, પણ એ શાંતિપૂર્ણ રીતે થવો જોઇએ. એમણે યુવાનોને સકારાત્મક વિચારો કેળવવાની અને સર્જનાત્મક કાર્યો કરવાની સલાહ આપી હતી.
દેશમાં માતૃભાષાઓના ઉપયોગમાં વધારો થાય એ માટે એમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને રોજગારમાં એનો સમાવેશ કરવાની અપીલ કરી હતી.
ભારતમાં અલ્પસંખ્યક કોઈ અન્ય દેશો કરતા સૌથી વધુ સુરક્ષિત : ઉપરાષ્ટ્રપતિ
Leave a Comment