નવી દિલ્હી, તા.૩૦: ભારતમાં કોરોનાના વાયરસના વધી રહેલા જીવલેમ સંક્રમણ વચ્ચે આજે એક સારા સમાચાર આવ્યા છે.ભારતની કોવિડ-૧૯ની સંભવિત વેકિસન કોવાકિસનના દવા નિયામક ડીજીસીઆઇ તરફથી પ્રથમ અને બીજા તબક્કાની માટે માનવ પર કિલનિકલ ટેસ્ટિંગની મંજૂરી મળી ચૂકી છે.આ વેકિસનને ભારત બાયોટેકે વિકસાવી છે.આ વેકિસનનું મનુષ્ય પર ટેસ્ટિંગ ચાલુ વર્ષે જુલાઇથી શરૂ કરવાની યોજના છે.
આ વેકિસનને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી વિકસીત કરાઇ છે.વાયરસના સ્ટ્રેનને પૂના સ્થિત એનઆઇવીમાં આઇસોલેટ કરાઇ હતી અને ભારત બાયોટેકને મોકલાઇ હતી,જયાં આ સ્વદેશી વેકિસનને વિકસીત કરાઇ છે.
નોંધનિય છે કે,હાલ દુનિયાભરમાં કોરોના વાયરસની ૧૦૦થી વધારે વેકિસન ઉપર કામગીરી ચાલી રહી છે પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી.આજે જ ચીનમાં પણ એક વેકિસનને સૈન્ય ઉપયોગની મંજૂરી અપાઇ છે. આ વેકિસનને ચીની સેનાના રિસર્ચ યુનિટ અને કૈનસિનો બાયોલોજિકસે વિકસીત કરી છે.
આ Ad5-nCoV વેકિસન ચીનની તે આઠ સંભવિત વેકિસનમાં શામેલ છે જેમને મનુષ્યો પર ટ્રાયલની મંજૂરી મળી છે.અલબત કૈનસિનો એ કહ્યુ કે,હાલ આ વેકિસન માત્ર સૈન્ય પ્રયોગની માટે છે કારણ કે,લોજિસ્ટિકસ વિભાગની મંજૂરી વગર તેનો વ્યાપક સ્તરે ઉપયોગ કરી શકાય નહીં.

