દિલ્હી, તા. ૨૮ : ભારતમાં કોરોના વાઇરસ સામે મહત્વપૂર્ણ ગણાતી વધુ બે રસી અને એક એન્ટીવાયરલ દવાને મંજૂરી આપવામાં આવી છે.સેંટ્રલ ડ્રગ ઓથોરિટીએ સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાની વધુ એક રસી કોવોવેક્સ અને બાયોલોજિકલ ઇની કોર્બેવેક્સ રસીને મંજૂરી આપી છે.આ સાથે જ એંટી વાયરલ દવા મોલનુપિરવીરને પણ મંજૂરી આપી દીધી છે.આ ત્રણેયને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોવિડ-૧૯ વેક્સીન કોવોવેક્સ અને કોર્બેવેક્સને મંજૂરી આપી છે.હાલ ભારત સહિત અનેક દેશોમાં ઓમીક્રોન વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે,આવા સમયે ભારતમાં વધુ બે રસીને મંજૂરી આપવામાં આવી છે જે આ વેરિઅન્ટ સામે મદદરુપ સાબિત થઇ શકે છે.સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે કોર્બેવેક્સ ભારતમાં બનેલી પહેલી આરબીડી પ્રોટીન સબ-યૂનિટ રસી છે.જેને હૈદરાબાદની કંપની બાયોલોજિકલ ઇ દ્વારા બનાવવામાં આવી છે. આ ભારતમાં જ બનેલી ત્રીજી રસી છે.
કેમ કે આ પહેલા ભારતમાં બનેલી સિરમ ઇન્સ્ટિટયૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન ઉપરાંત ઝાયડસ કેડિલાની ઝાયકકોવીડી,રશિયાની સ્પુતનિક અને અમેરિકાની મોડર્ના તેમજ જોન્સન એન્ડ જોન્સન રસીના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી.એટલે કે પહેલાથી જ ભારતમાં છ રસીને મંજૂરી આપવામાં આવી ચુકી છે જેમાં વધુ બે રસીનો ઉમેરો થયો છે.તેથી હવે ભારતમાં આઠ રસી ઉપલબ્ધ રહેશે.જે નવી બે રસીને મંજૂરી આપવામાં આવી છે તેમાં કોવોવેક્સનું ઉત્પાદન પૂણે સ્થિત સિરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા કરાયું છે જે અગાઉ કોવિશીલ્ડ રસી બનાવી ચુકી છે.જ્યારે કોર્બેવેક્સનું ઉત્પાદન ભારતની જ એક કંપની બાયોલોજિકકલ ઇ દ્વારા થઇ રહ્યું છે.