નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે ગતીથી ફેલાઈ રહ્યું છે તે જોઈને લાગી રહ્યું છે કે કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલામાં આગામી થોડા જ દિવસોમાં બ્રાઝીલને પાછળ છોડીને ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમિતો ધરાવતો દેશ બની જશે. 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના કેસના મામલે ભારતે બ્રાઝીલ અને અમેરિકાને પાછળ છોડી દીધું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો 37 લાખને ઓળંગી ગયો છે.છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 83883 કેસ નોંધાતા કુલ આંકડો 3853406 સુધી પહોંચી ગયો છે.
જોકે,એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને 77.06 સુધી પહોંચી ગયો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 68584 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે.આ સાથે જ આ આંકડો વધીને 2970492 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં 1043 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 67376 સુધી પહોંચી ગઈ છે.જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 815538 એક્ટિવ કેસ છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 26022005 કેસ નોંધાઈ ચૂક્યા છે.જેમાંથી 862722 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 17281859 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે.સમગ્ર દુનિયામાં અત્યારે 7877424 કેસ એક્ટિવ છે.સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા,બીજા સ્થાન પર બ્રાઝિલ,ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

