। નવી દિલ્હી ।
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે દેશમાં કોરોના વાઇરસની મહામારીની સ્થિતિ પર માહિતી આપતાં જણાવ્યું હતું છે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના ઘણા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે મોતનો કુલ આંકડો ૮૩ પર પહોંચ્યો છે. રવિવારે દેશમાં કોરોના વાઇરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૦૫ કેસના વધારા સાથે ૩,૫૭૭ પર પહોંચી હતી. આ સાથે ૨૬૭ દર્દીઓની સારવાર કરવામાં ડોક્ટરોને સફળતા મળી હતી.
પત્રકાર પરિષદને સંબોધન કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, ૪.૧ દિવસમાં કોરોના વાઇરસના કેસ બમણા થઇ ગયાં છે. જો તબલિગી જમાતની ઘટના ન સર્જાઇ હોત તો આટલા કેસની સંખ્યા પર પહોંચતાં ૭.૪ દિવસ લાગ્યાં હોત. શનિવારથી અત્યાર સુધીમાં દેશમાં ૫૦૫ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દેશના ૨૭૪ જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓ મળ્યાં છે . તેમણે જણાવ્યું હતું કે, મેડિકલ સપ્લાયની અછત ન સર્જાય તે માટે તમામ ફાર્મા કંપનીઓ અવિરત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા દરેક જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપી દેવાયાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ૨૭૬૬૧ રાહત કેમ્પ અને શેલ્ટર સ્થાપિત કરાયાં છે. જેમાં ૨૩૯૨૪ સરકારી અને ૩૭૩૭ એનજીઓ દ્વારા સ્થાપિત કરાયેલાં રાહત કેમ્પ અને શેલ્ટરનો સમાવેશ થાય છે. ૧૨.૫ લાખ લોકો હાલ આ શેલ્ટરોમાં આશ્રય લઇ રહ્યાં છે. ૧૯૪૬૦ ફૂડ કેમ્પ પણ સ્થાપિત કરાયાં છે જેમાં ૯૯૫૧ સરકારી અને ૯૫૦૯ એનજીઓ દ્વારા સંચાલિત ફૂડ કેમ્પ છે.
કોરોના વાઇરસ હવાથી ફેલાઇ રહ્યો હોવાના કોઇ પુરાવા મળ્યા નથી : આઇસીએમઆર
સંયુક્ત પત્રકાર પરિષદમાં જોડાયેલા આઇસીએમઆરના રમણ ગંગાખેડકરે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વાઇરસનો પ્રસાર હવા દ્વારા થઇ રહ્યો નથી. જો કોરોના વાઇરસ હવા દ્વારા ફેલાતો હોત તો સંક્રમિત વ્યક્તિના પરિવારનો દરેક સભ્ય કોરોના વાઇરસના સકંજામાં આવી ગયો હોત. પરિવારના દરેક સભ્યને ચેપ લાગ્યો હોત. હોસ્પિટલોમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું હોત.
દેશભરમાં રાહત અને ફૂડ કેમ્પ
૨૭,૬૬૧ કુલ રાહત કેમ્પ અને શેલ્ટર
૨૩,૯૨૪ સરકારી રાહત કેમ્પ અને શેલ્ટર
૩,૭૩૭ એનજીઓ દ્વારા સંચાલિત રાહત કેમ્પ, શેલ્ટર
૧૨.૫ લાખ લોકોને રાહત કેમ્પ, શેલ્ટરમાં આશ્રય
૧૯,૪૬૦ કુલ ફૂડ કેમ્પ સ્થાપિત
૯,૯૫૧ સરકારી ફૂડ કેમ્પ
૯૫૦૯ એનજીઓ સંચાલિત ફૂડ કેમ્પ
રવિવારે ભારતમાં કોરોનાના કારણે ૧૧ મોત
૦૩ મોત મહારાષ્ટ્રના પૂણેમાં
૦૨ મોત મધ્યપ્રદેશના ઇન્દોરમાં
૦૨ મોત તામિલનાડુના ચેન્નઇ અને રામનાથપુરામાં
૦૧ મોત રાજસ્થાનના જયપુરમાં
૦૧ મોત ગુજરાતના સુરતમાં
૦૧ મોત યુપીના વારાણસીમાં
૦૧ મોત પંજાબના લુધિયાણામાં
મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંકડો ૬૯૦, ધારાવીમાં વધુ ૧ કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ રવિવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ ૬૯૦ પોઝિટિવ કેસ નોંધાયાં છે. રવિવારે મુંબઇમાં ૨૯, પૂણેમાં ૧૭, પીસીએમસીમાં ૪, એહમદનગરમાં ૩ અને રંગાબાદમાં બે એમ કુલ પંચાવન નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. મુંબઇના ગીચ ધારાવી વિસ્તારમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.
ઇન્દોરમાં ડોક્ટરો પર હુમલો કરાયો તે વિસ્તારમાં કોરોનાના ૧૦ પોઝિટિવ
ઇન્દોરમાં થોડા દિવસ અગાઉ કોરોના સંક્રમણની તપાસ માટે ગયેલી ટીમ પર જે વિસ્તારમાં ટોળા દ્વારા હુમલો કરાયો હતો ત્યાં કોરોના વાઇરસના ૧૦ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાંથી મોકલાયેલા ૧૦ લોકોના સેમ્પલના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
જયપુરમાં એક જ મહોલ્લામાં ૩૯ લોકો કોરોના વાઈરસ પોઝિટિવ
રાજસ્થાનના જયપુરના એક જ મહોલ્લામાંથી ૩૯ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો છે. જયપુરમાં શનિવારે રાત્રે ૮૨ વર્ષીય વૃદ્ધનું શનિવારે મોડી રાત્રે મોત થયું હતું. તે ઉપરાંત ઉત્તરપ્રદેશના રામગંજમાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૪ કેસ નોંધાઇ ચૂક્યા છે.