અમેરિકાના મિનિયાપોલિસમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડની નિર્મમ હત્યા પછી દેશભરમાં હિંસા અને તોફાન ચાલુ છે.અમેરિકામાં સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ છે કે,અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સૈન્ય ગોઠવવું પડ્યું છે.ટ્રમ્પે કહ્યું છે કે,હિંસાને ડામવામાં રાજ્યોના ગવર્નર નબળા પડ્યાં છે. ટ્રમ્પના આ પ્રકારનાં વિધાન પછી હ્યુસ્ટન પોલીસના વડા આર્ટ એક્વેડોએ ટ્રમ્પને મોઢું બંધ રાખવાની સલાહ આપી છે.તેમણે ટ્રમ્પને આ વિવાદ વધુ ન વકરે એ માટે એક પણ હરફ ન ઉચ્ચારવા વિનંતી કરી છે.
મહેરબાની કરીને ટ્રમ્પ પોતાનું મોઢું બંધ રાખે
હ્યુસ્ટન પોલીસના વડા એક્વેડોએ કહ્યું છે કે, ‘હું દેશના પોલીસ વડા તરફથી અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખને ફક્ત એટલું કહેવા ઇચ્છું છું કે, જો તમારી પાસે કશું રચનાત્મક ન હોય,તો મહેરબાની કરીને તમારું મોઢું બંધ રાખો.’ ટ્રમ્પે એક જૂનના રોજ રાજ્યોના ગવર્નર સાથે કોન્ફન્સ કોલમાં સલાહ આપી હતી કે, તેઓ પ્રદર્શનકારકો સામે નબળાં ન પડે. તેમણે કહ્યું હતું કે, ‘જો તમે તમારી તાકાત દેખાડી ન શકો, તો તમે તમારો સમય વેડફી રહ્યાં છો.’
હિંસા , લૂંટ અને અવ્યવસ્થા – નહીં ચાલે
દરમિયાન વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે,હિંસા,લૂટ,અરાજકતા અને અવ્યવસ્થાને સહન કરવામાં નહીં આવે.વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેલી મેકનૈનીએ કહ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખે સ્પષ્ટ કરી દીધું છે કે આપણે અમેરિકાના રસ્તાઓ પર જે જોઈ રહ્યાં છીએ એ અસ્વીકાર્ય છે.હિંસા,લૂટ,અરાજકતા,અવ્યવસ્થાને ચલાવી નહીં લેવાય.ફ્લોઇડના મૃત્યુ પછી અમેરિકાનાં 140 શહેરોમાં અવ્યવસ્થા અને હિંસા ફેલાઈ છે.અમેરિકામાં છેલ્લાં થોડા દાયકાઓની આ સૌથી ખરાબ નાગરિક અશાંતિ છે.
24 રાજ્યોમાં નેશનલ ગાર્ડના 17,000 સૈનિકો
ઉત્તરમાં ન્યૂયોર્કથી લઈને દક્ષિણમાં ઓસ્ટિન સુધી અને પૂર્વમાં વોશિંગ્ટન ડીસીથી લઈને પશ્ચિમમાં લોસ એન્જિલિસ સુધી અનેક પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.24 રાજ્યોમાં નેશનલ ગાર્ડના લગભગ 17,000 સૈનિકો ગોઠવવામાં આવ્યાં છે.કુલ 3,50,000 નેશનલ ગાર્ડ ઉપલબ્ધ છે તથા અરાજકતા માટે અન્ય પગલાં ભરવામાં આવશે.