વોશિંગ્ટન, તા. 4. માર્ચ 2022 શુક્રવાર : અમેરિકાના વિદેશ મંત્રાલયના આસિસટન્ટ સેક્રેટરી ડોનાલ્ડ લૂએ રશિયા અને યુક્રેન વચ્ચેના જંગ વચ્ચે ભારત માટે મહત્વનુ નિવેદન આપ્યુ છે.
તેમણે વિદેશ નીતિ સાથે સંકળાયેલી સમિતિમાં સામેલ સાંસદોને સંબોધિત કરતા કહ્યુ હતુ કે,યુધ્ધના પગલે અમેરિકા અને બીજા દેશોએ રશિયા પર જે પ્રકારના આકરા પ્રતિબંધો લાગુ કર્યા છે તેના કારણે ભારત સહિત તમામ એવા દેશો કે જે હથિયારો માટે રશિયા પર આધારિત છે તેમના માટે રશિયા પાસેથી હથિયારો ખરીદવા મુશ્કેલ થઈ જશે.
તેમણે કહ્યુ હતુ કે,ભારતે તાજેતરમાં જ રશિયા પાસે મિગ-29 વિમાનો, હેલિકોપ્ટર તેમજ એન્ટી ટેન્ક હથિયારોની ખરીદી કરી છે.હવે ભારત જેવા દેશોએ બીજા દેશો તરફ હથિયારો ખરીદવા પર નજર દોડાવવી જોઈએ.અમેરિકા અને યુરોપ માટે પણ મોકો છે કે તે આવા દેશોને વિકલ્પ પુરો પાડે.
લૂએ કહ્યુ હતુ કે,રશિયા પર લાગેલા પ્રતિબંધોના કારણે તેની બેન્કિંગ સિસ્ટમ પ્રભાવિત થઈ છે.જો તમારી પાસે બેન્કિંગ સિસ્ટમ નહીં હોય તો બીજા દેશો માટે હથિયારની ખરીદી બદલનુ પેમેન્ટ કરવુ મુશ્કેલ થશે.આ સ્થિતિને લઈને જે દેશો રશિયા પાસે હથિયારો ખરીદે છે તે ચિંતિત છે.મને લાગે છે કે,ભારત પણ આવા દેશો પૈકીનુ એક છે.
લૂએ કહ્યુ હતુ કે,ભારત ખેખ અમેરિકાનુ સુરક્ષાને લગતી બાબતોમાં મહત્વનુ સાથીદાર છે.ભારત સાથે અમેરિકાના સબંધો આગળ વધે તે બાબતને અમેરિકા મહત્વ આપી રહ્યુ છે.મને આશા છે કે,રશિયાને જે રીતે ટીકાનો સામનો કરવો પડયો છે તે જોતા ભારત રશિયાથી અંતર રાખવા માંડશે.અમેરિકા ભારતને રશિયા સામે વોટિંગ કરવા મનાવી રહ્યુ છે પણ હજી સુધી તેમાં સફળતા મળી નથી.અમેરિકાના વિદેશ મંત્રી આ બાબતે ભારત સાથે સતત વાત કરી રહ્યા છે.આપણે બધા ભારતને રશિયાની કાર્યવાહી સામે સ્પષ્ટ વલણ દર્શાવવા માટે આગ્રહ કરી રહ્યા છે.


