ઘરઆંગણે પર્યાપ્ત પુરવઠાની ખાતરી બાદ જ મિત્ર દેશોને નિકાસની મંજૂરી આપશે
એજન્સી, નવી દિલ્હી
ભારતે આખરે મેલેરિયાના નિદાન માટે ઉપયોગમાં લેવાતી રસી હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને પેરાસીટામોલ ઉપરનો નિકાસ પ્રતિબંધ આંશિક રીતે હટાવી લેવાની જાહેરાત કરી છે. વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને લાખો લોકો સંક્રમણની લપેટમાં આવ્યા છે ત્યારે અન્ય દેશો દ્વારા ભારત પાસે મેલેરિયાની દવાની માંગ કરવામાં આવી હતી. અમેરિકા ઉપરાંત બ્રાઝિલે પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટનો જથ્થો આપવા નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવા વિનંતી કરી હતી. વર્તમાન સમયમાં કોરોના દર્દીઓની સારવાર માટે મેલેરિયા પ્રતિરોધક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન અસરકારક પરિણામ આપતી હોવાનું જણાયું છે.
ભારત સરકારે 25 માર્ચના રોજ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઘરઆંગણે પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ થઈ રહે તે હેતુથી કેન્દ્રે આ પગલું લીધું હતું. ભારતમાં મેલેરિયાના કેસો વધુ હોવાથી ફાર્મા કંપનીઓ દ્વારા આ દવાનું નોંધપાત્ર ઉત્પાદન કરવામાં આવે છે. ગત સપ્તાહે એસઈઝેડ અને નિકાસ આધારિત એકમોને જણાવાયું હતું કે નિયમો કડક કરવામાં આવ્યા છે અને નિકાસ પર પ્રતિબંધ લાગુ કરાયો છે.
કેન્દ્રના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત પર નિર્ભર દેશોને આ દવાનો જથ્થો આપવા માટે નિકાસ પરના નિયંત્રણો આંશિક રીતે ઉઠાવી લેવાયા છે. સ્થાનિક જરૂરિયાત માટે પુરતો પુરવઠો છે તેની ખાતરી બાદ જ નિકાસ કરવામાં આવશે.
કેન્દ્રીય ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વિદેશ મંત્રાલય માનવતાના ધોરણે આ અંગે વધુ નિર્ણય કરશે તેમ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણઆવ્યું હતું કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા લેબ ટેસ્ટિંગમાં કોરોના વાયરસ સામે કારગર સાબિત થઈ હતી. પ્રોફિલેક્સિસમાંતેના ઉપયોગથી નિદાનમાં તેનાથી લાભ થયો હોવાનું પ્રી-ક્લિનિકલ ડેટામાં જણાયું હતું.