નવી દિલ્હી : તા.21 મે 2022,શનિવાર : તાજેતરમાં ઉદયપુર ખાતે સંપન્ન થયેલી કોંગ્રેસની’નવ સંકલ્પ શિબિર’માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે,રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતા આગામી બીજી ઓક્ટોબરથી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની’ભારત જોડો યાત્રા’શરૂ કરશે.આઝાદી બાદ આ કોંગ્રેસની પ્રથમ અખિલ ભારતીય માર્ચ હશે.તેના માટે એક દિવસમાં કેટલું અંતર કવર કરવું,તેમાં પદયાત્રા દ્વારા કેટલું અંતર કાપવું,ગાડી દ્વારા કેટલો પ્રવાસ કરવો જેવા અનેક મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા ચાલી રહી છે.એક અહેવાલ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી 5થી 6 મહિનામાં 3,500 કિમીનું અંતર કાપવા ઈચ્છે છે.
‘ભારત જોડો યાત્રા’યોજનામાં સામેલ 2 વરિષ્ઠ નેતાઓના કહેવા પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના એક મહાસચિવે 10 કિમીની પદયાત્રાનો પ્રારંભિક પ્રસ્તાવ મુક્યો હતો.જોકે રાહુલ ગાંધીના મતે તે ખૂબ જ ઓછું અંતર હતું અને તેઓ દરરોજ 35 કિમી અંતર કાપવા માગતા હતા.ત્યારે એક વરિષ્ઠ રણનીતિકારે યાદ અપાવ્યું કે,તે પૈકીના મોટા ભાગના લોકો આટલી લાંબી યાત્રા માટે રાહુલ ગાંધી જેટલા સ્વસ્થ નથી.આખરે દરરોજ પદયાત્રામાં ઓછામાં ઓછું 10-20 કિમી અંતર કાપવાનું નક્કી કરવામાં આવ્યું છે.હાલ પ્રસ્તાવિત યાત્રા માટેનો માર્ગ નક્કી કરવામાં આવી રહ્યો છે જેમાં કોંગ્રેસ મહત્તમ રાજ્યોને આવરી લેવાનું ઈચ્છે છે.