નવી િદલ્હી : બ્રિટન સ્થિત કેઇર્ન એનર્જી પીએલસીએ મંગળવારે જણાવ્યું હતું કે પશ્વાદવર્તી ટેક્સ કાયદાની નાબૂદીને પગલે કંપનીને ભારત સરકાર પાસેથી એક બિલિયન ડોલરનું રીફંડ મળ્યાના થોડા જ દિવસોમાં તે ભારત સરકારની પ્રોપર્ટી જપ્ત કરવા વિદેશમાં કરેલા તમામ કોર્ટ કેસ પાછા ખેંચી લેશે.કંપનીએ ટેક્સ વિવાદમાં ભારત સરકાર પાસેથી નાણાંની વસૂલાત કરવા અમેરિકાથી લઇને ફ્રાન્સ સહિતના વિવિધ દેશોમાં કોર્ટમાં પિટિશન કરી છે.ભારત સરકારે 2012ની ટેક્સ નીતિ રદ કરવા ગયા મહિને પસાર કરેલો ઠરાવ કંપનીએ હિંમતભેરનો નિર્ણય ગણાવ્યો હતો.આ ટેક્સ નીતિ હેઠળ ભારતનું ટેક્સ ડીપાર્ટમેન્ટ 50 વર્ષ જૂના સોદામાં પણ વિદેશમાં કંપનીની માલિકી બદલાય ત્યારે કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ કરી શકતું હતું.
કેઇર્નના સીઇઓ સિમોન થોમ્સને લંડનમાં એક ઇન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે સરકાર સામેના તમામ કોર્ટ કેસો પડતા મૂકવાના બદલામાં પશ્વાદવર્તી ટેક્સની વસૂલાત માટે ટાંચમાં લેવાયેલા નાણા પરત કરવાની ઓફર અમને સ્વીકાર્ય છે.રીફંડ મળ્યાના થોડા જ દિવસોમાં કેઇર્ન પેરિસમાં ડિપ્લોમેટિક એપાર્ટમેન્ટ અને અમેરિકામાં એર ઇન્ડિયાના વિમાન જપ્ત કરવા અંગેના કેસો પડતા મુકશે.કેઇર્નના શેરહોલ્ડર્સે આ ઓફર સ્વીકારવા માટે સંમતિ આપી છે. તેમણે જણાવ્યું હતું કે બ્લેકરોક અને ફ્રેન્કલિન ટેમ્પ્લ્ટન જેવા અમારા કેટલાંક મહત્ત્વના શેરહોલ્ડર્સ આ ઓફર સાથે સંમત છે.આ ઓફર સ્વીકારવી વધુ સારી છે અને તે વ્યવહારુ અભિગમ છે તેવું માનીને અમારા મહત્ત્વના શેરહોલ્ડર્સ તેને સપોર્ટ કરે છે. શેરહોલ્ડર્સ ઘણા વર્ષો સુધી ચાલે અને તમામ પક્ષકારો માટે નેગેટિવ હોય તેવો કોર્ટ કેસ લંબાવવા ઇચ્છતાં નથી.
રોકાણના આકર્ષક દેશ તરીકે ભારતની ખરડાયેલી પ્રતિષ્ઠામાં સુધારો કરવા ભારત સરકારે ટેલિકોમ ગ્રુપ વોડોફાન,ફાર્મા કંપની સનોફી અને બ્રુઅરી કંપની એસએબી મિલર જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ સામેના રૂા.1.1 લાખ કરોડના બાકીના ટેક્સ દાવા પડતાં મૂકવા ગયા મહિને નવો કાયદો ઘડ્યો હતો.