ભારત સહીત પાકિસ્તાન અને અમેરિકામાં પણ રાજકીય ગતિવિધિઓ જોર પકડી રહી છે.ભારતમાં દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન ભાજપ સરકારને હંફાવી રહ્યું છે.બીજી તરફ પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાન વિરોધી આંદોલન જોર પકડી રહ્યું હોય એવા અણસાર રવિવારે મળ્યા હતા.વિપક્ષોએ રવિવારે યોજેલી રેલીમાં હજારો લોકો ઊમટી પડ્યા હતા.
આ રેલીમાં વક્તાઓએ ઇસ્લામાબાદ તરફ કૂચ કરવાની હાકલ કરી હતી.વિપક્ષી નેતાઓએ પાકિસ્તાનમાં નવેસર સંસદીય ચૂંટણી યોજવાની હાકલ કરતાં ઇમરાન ખાનની સરકારને ફગાવી દેવાની માગણી કરી હતી.તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે 2018ની સંસદીય ચૂંટણીમાં ઇમરાન ખાનને પાકિસ્તાની લશ્કરે જીતવામાં મદદ કરી હતી.એ ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ રહી નહોતી.
સદ્ગત વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલે આ રેલીમાં કહ્યું હતું કે વાટાઘાટો કરવાનો સમય ક્યારનો વીતી ચૂક્યો હતો.હવે તો નવેસર ચૂંટણી થાય પછી જ વાટાઘાટ.હવે ઇમરા ખાન કે પાકિસ્તાની લશ્કર સાથે વાતો કરવાનો કશો અર્થ નથી.
થોડા સમય પહેલા લશ્કરી વડા જનરલ બાજવાએ વિપક્ષોને વાટાઘાટ કરવા નોતર્યા હતા એ સંદર્ભમાં બિલાવલ બોલી રહ્યા હતા.ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમે કહ્યું કે મારા પિતાને ખોટા આરોપોમાં ફસાવવામાં આવ્યા હતા.મરિયમે કહ્યું કે ઇમરાન ખાન વડા પ્રધાન જેવા હોદ્દા માટે ગેરલાયક હતા અને લશ્કરની કઠપૂતળી બની રહ્યા હતા.
બીજી બાજુ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં બિડેન સામે હારી ગયેલા ટ્રમ્પે આ સ્થાને ટકી રહેવાના મારેલા હવાતિયા વચ્ચે તેમના હજારો સમર્થકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા.ટ્રમ્પ ગમે તેમ કરીને ફરીથી પ્રમુખ બનવાના મરણીયા પ્રયાસ કરી રહ્યા હોવાનું બિડેનના સમર્થકોએ કહ્યું હતું.
શનિવારે ટ્રમ્પના સમર્થકો અને વિરોધી વચ્ચે છુટાછવાયા મારામારીના બનાવો બન્યા હતા.ટીવી સમાચારો અનુસાર ચાર જણા પર ચાકુથી હુમલો કરાતા તેમને હોસ્પિટલે ખસેડાયા હતા.મેટ્રોપોલીટન પોલીસે 23 જણાની ધરપકડ કરી હોવાનું કહ્યું હતું.
બિડેનને અમેરિકાના 46માં પ્રમુખ જાહેર કરવા ઇલેકટ્રોલ કોલેજની બેઠકના માત્ર બે દિવસ પહેંલા જ ટ્રમ્પના સમર્થકોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ હતું.20 જાન્યુઆરીએ વિદાય લેનાર ટ્રમ્પે હારને સ્વીકારી નથી અને ફ્રોડ તેમજ મત ગણતરીમાં ચેંડા કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા જેને ફેડરલ તેમજ રાજ્યોના સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવાયા હતા.
ટ્રમ્પે રેલીઓ કાઢવા અંગે સામાન્ય રીતે જાહેર રજા મનાતા શનિવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.’વાઉ,સ્ટોપ ધી સ્ટીલ માટે વોશિંગ્ટનમાં હજારો લોકો ભેગા થયા,મને તો આની જાણ જ નહતી.પણ હું તેમને ટુંક સમયમાં મળીશ’એમ તેમણે ટ્વિટ કર્યું હતું.