આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીનો અંદાજ ઘટાડીને 1.9 ટકા કર્યો
મુંબઈ,
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે શુક્રવારે કોરોના વાયરસ સામેની જંગમાં દેશના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપવા મહત્વના પગલાંની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે 2021-22માં ભારતમાં ‘વી’ શેપમાં રિકવરી જોવા મળે તેવી આશા છે અને આંતરાષ્ટ્રીય મુદ્રો કોષ (આઈએમએફ) દ્વારા પણ આવો અંદાજ મુકવામાં આવ્યો છે. ફુગાવામાં રાહત મળવાથી મધ્યસ્થ બેન્કને વર્તમાન ધિરાણ નીતિને વધુ ઉદાર બનાવવાનો અવકાશ પ્રાપ્ત થઈ શકશે અને જેને પગલે અર્થતંત્રમાં વૃદ્ધિ સામે રહેલા જોખમને ટાળી શકાશે.
આઈએમએફના અંદાજ મુજબ 2021માં દેશમાં વી શેપ રિકવરી જોવા મળી શકશે જે વૈશ્વિક જીડીપીના નવ ટકા પોઈન્ટ જેટલી રહેવાની સંભાવના છે. ભારતમાં તીવ્ર બદલાવ જોવા મળશે અને કોરોના વાયરસ પૂર્વેના 7.4 ટકાના ગ્રોથ રેટને ફરી 2021-22માં હાંસલ કરી શકશે.
આરબીઆઈ ગર્વનરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ સપ્તાહથી સ્થાનિક સ્તરે કેટલાક ડેટા જાહેર થયા છે જેમાં ઉત્પાદનનો ગ્રાફ નીચો ગયો હોવાનું જણા છે તેમજ નિકાસમાં પણ 30 ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. જો કે આ તમામ ડેટા હાલની સ્થિતિને પગલે સર્વાંગિક રીતે સમાવેશ કરી શકાય તેમ નથી અર્થતંત્રની સ્થિતિનો વ્યાપક ચિતાર આંકી શકાય નહીં.
કૃષિ ક્ષેત્રે ભારત આગળ પડતું હોવાથી જીડીપી વૃદ્ધિમાં મર્યાદીત સમય સુધી ઘટાડો રહેશે અને ઘઉં તેમજ ચોખાનું બમ્પર ઉત્પાદન રહેવાથી દેશમાં તેનો પુરવઠો ઘટશે નહીં. આ ઉપરાંત સારા ચોમાસાની આગાહી હવામાન વિભાગે કરી છે જેનાથી અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળી રહેશે.
શક્તિકાંત દાસના મતે આગામી સમયમાં ફુગાવામાં રાહત મળવાથી તે 2020-21ના નાણાં વર્ષમાં 4 ટકાથી નીચે રહેવાનો અંદાજ છે. પરિણામે ધિરાણ નીતિને વધુ ઉદાર બનાવાવની તક પ્રાપ્ત થઈ શકે છે. ફેબ્રુઆરીની મોનેટરી પોલિસી બેઠકમાં આરબીઆઈએ દેશનો વૃદ્ધિ દર છ ટકા રહેવાનો અંદાજ મુક્યો હતો. ત્યારબાદ માર્ચમાં મળેલી બેઠકમાં જીડીપી દરનો અંદાજ ઘટાડીને 4.7 ટકા કરવામાં આવ્યો હતો.
કોરોના વાયરસને પગલે દેશમાં કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રો પર વધુ પ્રતિકૂળ અસર જોવા મળી છે અને તે પ્રભાવિત થયા છે. વૈશ્વિક સ્લોડાઉનની મધ્યમ ગાળા સુધી અસર રહેવાની સંભાવના છે ત્યારે ચાલુ વર્ષે આરબીઆઈએ દેશના વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 1.9 ટકા કર્યો છે.