અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર આજે સવારે રન-વે કન્ઝશનથી હૈદરાબાદથી અમદાવાદ આવતી ફ્લાઈટને ઇન્દોર ડાઇવર્ટ કરવામાં આવી હતી.શહેરમાં બપોરે મેઘરાજાએ સવારી કરતા ૧૦ ફ્લાઇટો મોડી અને ચાર કેન્સલ થઇ હતી. જ્યારે એક ફ્લાઈટે આકાશમાં ચક્કર મારવા પડયા હતા.જેના કારણે અનેક મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
પ્રાપ્ત થતી વિગતો મુજબ સવારે એર ટ્રાફિકના કારણે રન-વે કન્ઝશનથી હૈદરાબાદથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઈટ ફાઇનલ એપ્રોચ કરે તે પહેલાં એર ટ્રાફિક કંટ્રોલરે(એટીસી)લેન્ડિંગ ક્લિયરન્સ આપ્યું ન હતું.એરપોર્ટ પર સવારે ૮:૧૦ કલાકે લેન્ડ થનારી ફ્લાઈટે આકાશમાં એક ચક્કર મારી ઇન્દોર ડાઇવર્ટ કરી હતી.જેના કારણે અમદાવાદથી હૈદરાબાદ જનાર ૧૫૦થી વધુ મુસાફરો હાલાકીમાં મુકાયા હતા.આ ફ્લાઈટ સવારે અમદાવાદથી ૯ કલાકના બદલે બે કલાક બાદ ૧૧:૧૫ કલાકે ટેકઆફ થઈ હતી.જ્યારે બપોરે અમદાવાદમાં ભારે વરસાદ ખાબકતા બેંગલુરુંથી અમદાવાદ આવતી ફ્લાઇટે આકાશમાં ૩૦ મિનિટ ચક્કર માર્યા હતા અને ૩:૧૦ વાગે લેન્ડ થઈ હતી.
એરપોર્ટ પરથી બપોરે ઇન્ડિગોની નાગપુર,દિલ્હી,બેંગલુરું એમ ત્રણ ફ્લાઈટ તેના નિર્ધારિત સમયથી ત્રણ કલાક મોડી પડી હતી.જયારે ગો ફર્સ્ટની દિલ્હી,મુંબઈ અને સ્પાઈસજેટની અમૃતસરની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.અન્ય આજે સવારે ઇન્ડિગોની હૈદરાબાદ અને જોધપુરની ફ્લાઇટ બે કલાક અને કોચીનની ફ્લાઈટ એક કલાક મોડી પડી હતી.એરપોર્ટ પર સવારે રન-વે કન્ઝશનથી સ્પાઈસ જેટની દિલ્હી બે કલાક,દેહરાદૂનની ફ્લાઈટ દોઢ કલાક અને ગો ફર્સ્ટ અને વિસ્તારાની દિલ્હી જતી ફ્લાઈટ સવા કલાક મોડી પડી હતી.એર ઇન્ડિયાની નાસિકની ફ્લાઇટ ૪૫ મિનિટ મોડી પડી હતી.


