કેશોદ,માંગરોળ,માણાવદર અને કુતિયાણાનાં ૪૫થી વધુ ગામને અસરઃ ખેતરોમાં નદીનાં પૂરનાં પાણી ફરી વળતાં ઊભા પાકને નુકસાન સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ઘેડ પંથકની હાલત ખરાબ થઈ છે.ખાસ કરીને જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના કેશોદ,માંગરોળ,માણાવદર અને કુતિયાણા તાલુકાનાં ૪૫થી વધુ ગામોને અસર થઈ છે.બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પર નદીઓનાં પાણી ફરી વળતાં વાહનચાલકો પરેશાનીમાં મુકાયા હતા.
ભારે વરસાદના કારણે ઓઝત,ભાદર અને ઉબેણ નદીમાં પૂર આવ્યાં હતાં.આ પૂરનાં પાણી જૂનાગઢ અને પોરબંદરના ચાર તાલુકાઓમાં ફરી વળ્યાં હતાં.આ નદીઓનાં પાણી પોરબંદર પાસે દરિયામાં સમાઈ જાય છે,પરંતુ એ પહેલાં માર્ગમાં આવતા ખેતરોમાં આ પાણી ફરી વળતાં પાકને ભારે નુકસાન થયું છે.


