– પેનલ્ટીની નોટિસમાં પતાવટ કરવા એક લાખની લાંચ માંગી
– અગાઉ 80 હજાર હડપ કરી લીધા,રાજ્યવેરા અધિકારીની કચેરીમાં લાંચિયા અધિકારીને બાકીના 20 હજાર લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધો
બોટાદ : બોટાદમાં ફરજ બજાવતો સ્ટેટ જીએસટીનો સ્ટેટ ટેક્સ ઓફિસરને બોટાદ એસીબીની ટીમે ૨૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના ઢસા રોડ,જીનનાકા પાસે વર્ષ ૨૦૧૫માં ભાગીદારીમાં શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખુલ્લા બાદ પેઢીના ભાગીદારો નોકરી-ધંધામાં લાગી જતાં બિઝનેસ બંધ કરી દીધો હતો.જેથી ગત તા.૧૪-૦૪-૨૦૨૩ના રોજ શ્રીરામ એન્ટરપ્રાઈઝનો જીએસટી નં.૨૪એસીવીએફએસ૮૯૮૯બી૧ઝેડબીનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવા ઓનલાઈન અરજી કરાઈ હતી.જે અરજી બાદ બોટાદ રાજ્ય વેરા કચેરીના સ્ટેટ ટેક્સ ઓફિસર રિમલ જસંવતભાઈ ઠુમ્મર (રહે, ૩૨૭, શ્યામ ફાર્મ હાઉસ, નિકોલ-૨, નરોડા રોડ, જનસેવા કેન્દ્ર પાસે, ડી-માર્ટ મોલ પાસે, અમદાવાદ)એ પેઢીમાં સને-૨૦૨૦માં થયેલ ટ્રાન્જેક્શનમાં વાંધો ઉઠાવી પેઢીના ભાગીદારને શો-કોઝ નોટિસ પાઠવી ૩૯ લાખની પેનલ્ટી અને વસૂલાત થશે તેવી ધમી આપી નોટિસ અંગે કાંઈ નહીં કરવા અને લાઈબિલિટીઝ ઝીરો કરી આપવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.જેથી શ્રીરામ એન્ટરપ્રાઈઝના ભાગીદારના નાનાભાઈ કે જેઓ ચાર્ટેડ એકાઉન્ટન્ટ હોય તેમને અને તેમના મોટાભાઈને લાંચિયા અધિકારી ઠુમ્મરે વોટ્સએપ પર વોઈસ કોલ કરી એક લાખની માંગણી કરી જો રૂપિયા નહીં આપે તો તાત્કાલિક પેનલ્ટીની નટિસ કાઢવાનું કહ્યું હતું.જેથી સી.એ. અને તેમના બનેવીએ ગત તા.૫-૯ના રોજ સીજીએસટીના અધિ(ારીને બોટાદ શહેરના ભાવનગર સર્કલ ખાતે જઈ તેની હોન્ડા સિટી કાર નં.જીજે.૧૮.બીજી.૫૫૨૯માં ૮૦ હજાર આપ્યા બાદ બાકીના લાંચના રૂા.૨૦,૦૦૦ ગઈકાલે સોમવારે આપવાનું નક્કી કરાયું હતું.જે લાંચની રકમ યુવાન આપવા માંગતો ન હોય, જેથી એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરતા બોટાદ એસીબી પીઆઈ આર.ડી. સગર સહિતના સ્ટાફે બોટાદ તાલુકા સેવા સદનના ચોથા માળે આવેલ રાજ્યવેરા અધિકારીની કચેરી, ઘટક-૭૭માં છટકું ગોઠવી લાંચિયા અધિકારી રિમલ જસવંતભાઈ ઠુમ્મરને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમાં ૨૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.બનાવ અંગે યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે એસીબીએ લાંચિયા અધિકારી સામે ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમની કલમ ૭ (એ), ૭ (બી), ૭ (સી), ૭, ૧૩ (ર) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.