પાટીદાર સમાજનું જોઈને હવે બીજા જ્ઞાતિસમુદાયો પણ ચૂંટણી આવે એટલે લાગ જોઈને રાજકીય પક્ષોનું નાક દબાવવાનું શીખી ગયા છે.ક્ષત્રિય સમાજની નારાજગી ઠારવા માટે જ રવિવારે ભાવનગરની મુલાકાતે ગયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નિલમબાગ પેલેસ જઈને ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહની મુલાકાત લીધી હતી.જયવીરરાજસિંહ યુવા ક્ષત્રિયોમાં ભારે પ્રભાવ ધરાવે છે.ભાજપ પ્રત્યેની તેમની નારાજગી પણ કોઈથી અજાણી નથી.આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ પણ ગત સપ્તાહે પોતાની ભાવનગર યાત્રા દરમિયાન જયવીરરાજસિંહની મુલાકાત લેવા ઈચ્છતા હતા,પરંતુ જયવીરરાજે ઉતાવળ ન કરવાની ઠાવકાઈ દાખવી હતી.
હવે પાટીલ સાથેની તેમની મુલાકાત પછી તેમને ભાવનગર (પશ્ચિમ) અથવા પાલિતાણાની ટીકિટ ઓફર થઈ શકે છે.ભાવનગર (પશ્ચિમ) માટે કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી,સળંગ બે ટર્મથી અહીંથી જીત્યા હોવાથી મજબૂત દાવેદાર છે પરંતુ ક્ષત્રિય સમાજને રાજી રાખવા આ બેઠક યુવરાજને આપીને જીતુભાઈને ગારિયાધારની બેઠક પર મોકલાશે એવી ચર્ચા પણ ભાજપના આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.