– જીએસટીએ ભાવનગરમાં પાડેલા દરોડામાં ઉસ્માનગની ઝન્નતી અને ભાવેશ શાંતિલાલ પંડયાની ધરપકડ કરાઈ
અમદાવાદ : ગુજરાત રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે ભાવનગર અને અમદાવાદની 33 પેઢીઓના 57 સ્થળોએ સાગમટે દરોડા પાડીને રૂા. 1128 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડયું છે.
આ બોગસ બિલની મદદથી ગુનેગારોએ રૂા. 191 કરોડની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે.આ કૌભાંડના સંદર્ભમાં ભાવનગર ખાતેથી ઉસ્માનગની ઝન્નતી અને ભાવેશ શાંતિલાલ પંડયાની ધરપકડ પણ કરવામાં આવી છે.
રૂા. 191 કરોડની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ-વેરાશાખ લેવાના કૌભાંડમાં ભાવનગરના અલીફ એન્ટરપ્રાઈસના ઉસ્માનગની ઝન્નતી અને શિવાય ટ્રેડ લિન્કના ભાવેશ શાંતિલાલ પંડયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કાયદાની કલમ 69ની જોગવાઈ હ ેઠળ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બંનેને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.તેમના માધ્યમથી કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જીએસટીના દરોડાના સંદર્ભમાં છેલ્લા બે માસમાં ભાવનગરથી કુલ 13 જણની ધરપકડ કરવામાં આવી છે.તમામ 3 જણની ધરપકડ બોગસ બિલિંગના કૌભાંડોમાં જ કરવામાં આવી છે.
આ બંનેએ દરેકની માફક ગરીબ અને આર્થિક જરૂરિયાત ધરાવતા લોકોને લાલચ આપી તેમના આધારકાર્ડ,પાનકાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી લઈને તેને આધારે બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન મેળવ્યા હતા.તેનો ઉપયોગ કરીને તેમણે બોગસ બિલિંગ કર્યા હતા. બોગસ બિલ બનાવ્યા હતા, પરંતુ તેની સામે માલની કોઈ જ હેરફેર કરવામાં આવી નહોતી.ગુજરાત સરકારની જીએસટી કચેરીના અધિકારીઓએ અમદાવાદમાં 16 પેઢીઓના 37 સ્થળો પર તપાસ કરી હતી.
આ તપાસમાં 16માંથી 11 પેઢીઓ બોગસ નીકળી હતી.બાકીની પાંચ પેઢીઓમાં તપાસ ચાલી રહી છે.આ પાંચ પેઢીઓએ મળીને રૂા. 712.04 કરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું અને તેની મદદથી રૂા. 128.16 કરોડની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે.આ વેરાશાખ તેમણે અન્ય વેપારીઓના ખાતામાં ટ્રાન્સફર કરી છે.
બીજી તરફ ડિરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ 17 પેઢીની તપાસ કરતાં 12 પેઢી બોગસ નીકળી હતી. બાકીની પાંચ પેઢીઓમાં મળીન ેરૂા. 416 કરોડના બોગસ બિલ ઇશ્યૂ થયા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે.આ બોગસ બિલના માધ્યમથી તેમણે કુલ રૂા. 63 કરોડની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું બહાર આવ્યું છે.