સુરત તા.20 માર્ચ 2020 શુક્રવાર
કોરોના વાયરસથી બચવા માટે ભીડભાડથી દૂર રહેવાની સરકારની તાકીદ કરવામાં આવી છે, ત્યારે કાપડબજાર સાથે સંકળાયેલા ગ્રે અને ફિનિશ્ડની ડીલેવરીનો સમય બદલવાનું ટેમ્પાચાલકોએ નક્કી કર્યું છે.
બપોરના એક વાગ્યા સુધી ગ્રેની ડિલિવરી થશે. જ્યારે બપોરના બે વાગ્યા પછી મિલોના ટેમ્પાઓ દ્વારા ફિનિશ્ડની ડીલેવરી થશે.
કોરોના વધુ નહિ પ્રસરે તે માટે તકેદારીના પગલાં ખૂબ જ જરૂરી છે, કાપડ બજાર સાથે સંકળાયેલા કારીગર વર્ગનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને સાથોસાથ રોજગારી પણ મળી રહે તે હેતુથી ડીલેવરીના સમયમાં બદલાવ કરવાનું નક્કી કર્યું છે, એમ ડીલેવરી કામકાજ સાથે સંકળાયેલા સંજય પાટીલે જણાવ્યું હતું.
કાપડબજારના વેપારીઓને નવા સમયની જાણ કરવા માટે આજે બપોર પછી માર્કેટ એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે મીટીંગ ગોઠવવામાં આવી છે.
સવારના અગિયારથી એક વાગ્યા સુધી માર્કેટ માંની દુકાનોમાં ગ્રેની ડીલેવરી નાના ટેમ્પા વાળો દ્વારા કરવામાં આવશે, જ્યારે બેથી સાંજના છ વાગ્યા સુધીમાં મિલોમાંથી આવતી ફિનિશ્ડની ડીલેવરીનું કામકાજ મોટા ટેમ્પાઓ દ્વારા થશે.
ગ્રે અને ફિનિશ્ડની ડીલેવરી અલગ-અલગ કરવાથી કાપડબજારમાં બિનજરૂરી ટ્રાફિક ઘટવા સાથે ભીડભાડ પણ ઓછી થશે.