તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી વિક્રમી 156 બેઠકો જીતી હતી.આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં નવા સચિવાલય પાસે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા છે.ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી 5-5 ધારાસભ્યોએ શપથ લીધા જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી 3-3 ધારાસભ્યોએ શપથ લીધા.આજે સાંજે 5 વાગ્યે કેબિનેટની બેઠક મળશે.ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ઋષિકેશ પટેલ,કનુભાઈ દેસાઈ,રાઘવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.કુંવરજી બાવળીયા,મુળુભાઈ બેરા,ડો. કુબેર ડિંડોર અને ભાનુબહેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની આ સતત બીજી ટર્મ છે. PM નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં સ્ટેજ પર હાજર છે.
વિજય મુહૂર્તમાં શપથ લીધા
આજે એટલે કે 12 ડિસેમ્બરે 1.58 PMથી 2.40 PM સુધી વિજય મુહૂર્ત છે.આ મુહૂર્ત શપથવિધિ માટે ઉત્તમ માનવામાં આવે છે.ચોઘડિયાની વાત કરીએ તો 2 વાગે ચલ ચોઘડિયુ રહેશે,જે સામાન્ય માનવામાં આવે છે.આશ્લેષા નક્ષત્ર રહેશે,જે રાજ્યાભિષેક માટે ઉત્તમ માનવામાં આવે છે. 2 વાગે ચંદ્ર દેવની હોરા રહેશે,ચંદ્ર શુભ ગ્રહ હોવાથી અને પાછો આજે સોમવાર હોવાથી આ સમયે લીધેલા શપથ CM માટે શુભ બની રહેશે.ગાંધીનગરની હોટલ લીલામાં ભવ્ય ભોજન સમારોહ યોજાશે.આ સમારોહમાં 156 ધારાસભ્ય અને મહેમાનો હાજરી આપશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 156 ધારાસભ્યો સાથે ભોજન લેશે. મોદી સાથે દરેક ધારાસભ્યની વન ટુ વન ઓળખ પરેડ થશે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો આ સતત સાતમો વિજય છે.કોંગ્રેસે માત્ર 17 બેઠકો જીતી છે અને AAPએ પાંચ બેઠકો જીતી છે.ભૂપેન્દ્ર પટેલે શનિવારે પોતાની સમગ્ર કેબિનેટ સાથે રાજીનામું આપ્યું હતું તેમજ તેમને રાજ્યપાલને મળીને આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પર કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને 1.92 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા.
આજે 5 વાગે યોજાશે કેબિનેટ બેઠક
8 ડિસેમ્બરે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પરિણામ જાહેર થઇ ચૂક્યા છે.રાજ્યમાં સાતમી વખત ભાજપ પક્ષ સરકાર બનાવવા જઇ રહી છે.ત્યારે આજે 12 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.આ સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ શપથ લેશે.આ મંત્રીઓને સરકાર તરફથી ફોન કરવાનુ કાર્ય ચાલી રહ્યુ છે. ત્યારે 12 વાગ્યે શપથ લીધા બાદ એક કેબિનેટ બેઠક પણ મળશે.મળતી માહિતી મુજબ આજે 5 વાગે કેબિનેટ બેઠક મળશે.બપોરે મંત્રીમંડળની શપથ વિધિ બાદ આજે જ કેબિનેટ બેઠક યોજાશે.આ બેઠકમાં તમામ મંત્રીઓના ખાતાની જાહેરાત કરવામાં આવશે.એટલે આજે રાજ્યની જનતાને મુખ્યમંત્રી સહિત નવા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી મળી જશે.ક્યાં મંત્રીને કયુ ખાતુ સોંપાશે તે આજે કેબિનેટ બેઠકમાં નક્કી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શપથ વિધિ કાર્યક્રમને પગલે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.હાલ 3 વિશેષ ડોમ ઊભા કરાયા છે.મંચ સિવાય સાંસદો,ધારાસભ્યો માટે અલગ બેઠક વ્યવસ્થા કરાઈ છે.હાલ શપથવિધિ સમારોહ સ્થળે SPG, ગુજરાત પોલીસ અને અન્ય એજન્સી દ્વારા સુરક્ષા ધ્યાને રાખી આવનારા લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે.સમગ્ર ગ્રાઉન્ડ પર LED અને અન્ય સુવિધા પણ ઊભી કરાઇ છે.


