ગુજરાતમાં હવે ખાખી વર્દી શંકાના ઘેરામાં છે.કાયદો વ્યવસ્થા ચિથરેહાલ સ્થિતિ છે,ત્યારે ગુનાખોરી નાથવાને બદલે પોલીસ જાણે રાજકારણીઓનો હાથ બની હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.નવાઈની વાત એ છે કે ગૃહ વિભાગનીજ પોલસ પર પક્કડ રહી નથી.આતંકવાદ નાથવા રચાયેલું સ્પે.ઓપરેશન ગ્રુપને હવે વ્યક્તિગત અરજીની તપાસમાં રસ જાગ્યો છે તે પરથી પ્રદર્શિત થઈ રહ્યું છે કે રાજકીય દબાણને વશ થઈને પોલીસ દરોડા પાડે છે અને વ્યક્તિગત તપાસ કરે છે.
રાજકીય દબાણને વશ થઈને પોલીસ દરોડા પાડે છે અને કરે છે વ્યક્તિગત તપાસ
ભાજપના રાજમાં પોલીસની ભૂમિકા જાણે બદલાઈ રહી હોય તેવું સામાન્ય જનતા અહેસાસ કરી રહી છે.કાયદાના રખેવાળ હવે રાજકીય કઠપૂતળી બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે,તેનું કારણ એ છે કે ગુનાખોરી નાથવાને બદલે પોલીસ રાજકારણીઓના ઈશારે કામ કરી રહી છે.પત્રિકાકાંડમાં ય sogને રાજકારીઓની મૌખિક સૂચના મળતાં જ જીમિત શાહના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ આદરી હતી.સવાલ એ ઉઠ્યો છે કે સ્પે. ઓપરેશનગ્રુપનુ કામ આતંકવાદને નાથવાનું છે.નકલી નોટો પકડવાનું છે.આ બધી કામગીરી છોડીને sogને પત્રિકાકાંડના સૂત્રધાર જીમિત શાહને પકડવામાં કેમ રસ જાગ્યો તે સમજાતું નથી.અમદાવાદમાં પ્રદિપસિંહ વાઘેલાના ઈશારે sogએ પત્રિકાકાંડના સૂત્રધારને જેલભેગા કરવા કામે લાગ્યુ હતું.તો સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના ઈશારે પોલીસે પૂર્વ મંત્રી ગણપત વસાવાના સમર્થકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતાં.
ખાખી વર્દી રાજકીય હાથો બનીને રહી ગઈ
આ બધું જોતા એવું ચિત્ર ઉપસ્યું છે કે ખાખી વર્દી રાજકીય હાથો બનીને રહી ગઈ છે.ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ તો જમીનની ખંડણીથી માંડીને રાજકીય જાસૂસીમાં જ વ્યસ્ત બન્યા છે.પોલીસમાં આજે પૈસાફેંકો-તમાશા દેખો જેવો ઘાટ સર્જાયો છે.ચર્ચા છે કે આવા જ કામોમાં માહિર ગણાતાં એક IPS પાસે તો કરોડોની મિલકત છે.ટૂંકમાં ગૃહવિભાગની પોલીસ પર પકડ રહી નથી, હાલમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે ખુદ કમલમમાં ભાજપના સંનિષ્ઠ નેતાઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો ખાલીપો અનુભવાઈ રહ્યો છે.