અમદાવાદ : તા.12 જુન 2022,રવિવાર : આગામી તા.૧૪ જુનને મંગળવારના રોજ સાંજે પાંચેક વાગ્યે ભગવાન જગન્નાથજી મોસાળ સરસપુરમાં મામને ઘેર ૧૫ દિવસ રહેવા માટે પધારશે.ભાઇ બલરામ, બહેન સુભદ્રાજી પણ સાથે હશે.સરસપુરમાં આંબેડકર હોલ ખાતે સરસપુરવાસીઓ દ્વારા ભગવાનનું હરખભેર,ભક્તિભાવપૂર્વક ભવ્ય સામૈયુ કરવામાં આવશે.ભગવાન પધારી રહ્યા હોવાથી સરસપુરવાસીઓમાં ભારે હરખ,આનંદ,ઉલ્લાસ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે જગન્નાથ મંદિરથી લઇને સરસપુરમાં રણછોડરાયજીના મંદિર સુધી રથયાત્રા નીકળનાર છે તેની હાલમાં શહેરભરમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.મ્યુનિ.તંત્ર, પોલીસતંત્ર,મંદિર વ્યવસ્થાપક મંડળ અને ભક્તગણો રથયાત્રાની તૈયારીઓને લઇને કામે લાગી ગયા છે.કોરોનાકાળમાં રથયાત્રા ન નીકળી,ગત વર્ષે ભક્તોની હાજરી વગર ગણતરીના કલાકોમાં જ રથયાત્રા સંપન્ન કરાઇ હતી.જેને લઇને ભક્તો ભારે નિરાશ થયા હતા.જોકે આ વર્ષે કોરોનાની સ્થિતિમાં સુધારો હોવાથી રથયાત્રા પહેલાની જેમ નીકળશે પરંતુ ભક્તોએ માસ્ક પહેરીને રથયાત્રામાં જોડાવું હિતાવહ રહેશે.
જગન્નાથ મંદિર ખાતે તાજેતરમાં ઉત્સવ કમિટીની બેઠક યોજાઇ હતી.જેમાં આગામી તા.૧૪ જુનને મંગળવારે સવારે જગન્નાથ મંદિરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી ભવ્ય જળયાત્રા નીકાળવાનો નિર્ણય લેવાયો હતો.જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.આજ દિવસે સાંજે ચારેક વાગ્યે ભગવાન જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળીને મોસાળ સરસપુરમાં મામાને ઘરે ૧૫ દિવસ માટે રહેવા જશે.તેને લઇને ે સરસપુર વાસીઓએ પણ ભગવાનનું સ્વાગત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સરસપુર મોસાળમાં આ પંદર દિવસ ભગવાનને મામાને ઘરે લાડ લડાવાશે.તેઓને રોજ વિવિધ મીઠાઇઓની વાનગીઓ જમાડાશે,ભક્તો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે આવશે.દર વર્ષે રથયાત્રામાં સેવા બજાવતા નરસિંહ પટેલના જણાવ્યા મુજબ સરસપુરમાં આંબેડકર હોલ ખાતે ભગવાનનું તા.૧૪ જુને સાંજે પાંચેક વાગ્યે સામૈયુ કરાશે.સરસપુર વાસીઓ આ દિવસની રાહ જોઇ રહ્યા છે.રથયાત્રાને લઇને વિવિધ ૧૭ જેટલી પોળોમાં જમણવાર યોજાય છે.રથયાત્રાના દિવસે દેશભરમાંથી આવતા સાધુ સંતો,મહંતો અને ભક્તોને સરસપુરવાસીઓ પ્રેમથી ભક્તિભાવથી જમાડે છે.આ દિવસે બે લાખથી વધુ ભક્તો પ્રભુ પ્રસાદીનો લાભ લે છે.વિવિધ પોળોના આગેવાનો પણ અત્યારથી જ જમણવારને લગતી તૈયારીઓમાં લાગી ગયા છે.


