રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના દીકરાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી દ્વારા બનાવવામાં આવેલા કોમર્શિયલ બિલ્ડીંગનું વીજ બિલ તેને ભર્યું ન હોવાના કારણે વીજ કંપની દ્વારા બિલ્ડિંગના લોકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.જેના કારણે લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા લોકોએ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.આ સમગ્ર મામલે પોલીસે પણ વચ્ચે પડીને સમાધાન કરાવવા માટે પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.
રિપોર્ટ અનુસાર રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ દ્વારા સુરતના કામરેજ નજીક એક બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યુ હતું.બિલ્ડીંગના બાંધકામ દરમિયાન કોમર્શિયલ વીજ બિલ જે ભરવાના હોય તે બિલ બિલ્ડર દ્વારા ભરવામાં ન આવતા વીજ કંપની દ્વારા સ્થાનિક લોકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.જેના કારણે સોસાયટીના તમામ લોકોએ એકઠા થઈને કુમાર કાનાણીના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
બિલ્ડિંગમાં રહેતા લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,અમારો મૂળ પ્રશ્ન પાણી અને વીજળીનો છે.જે ફ્લેટમાં આ લોકોને બિલ ભરવાનું થાય છે એ વીજ બિલ લોકોએ ભર્યું નથી એટલા માટે વીજ કંપની દ્વારા બિલ્ડિંગના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.જે લોકો રેગ્યુલર વીજ બિલ ભરે છે તેમના પણ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે એટલે અમે આ બાબતે રજૂઆત કરવા માટે આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરે આવ્યા હતા પરંતુ આ લોકો અમને મળવા દેતા નથી.
રજૂઆત કરવા ગયેલા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે,કુમાર કાનાણીને પુત્રએ પોલીસને એવું પણ કહ્યું કે, આ લોકો પર પાંચ લાખ રૂપિયાની ખંડણી ગુનો નોંધાવો જોઈએ. આ તમામ લોકો પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવા માટે અહીં આવ્યા છે.
અન્ય સ્થાનિકોએ જણાવ્યું હતું કે,અમે મત આપીને કુમાર કાનાણીને ચૂંટયા છે એટલે અમે માત્ર તેમને રજૂઆત કરવા માટે આવ્યા હતા.અહીંયા આવીને અમને એવું લાગ્યું છે કે,અમે આ લોકોને મત આપીને બહુ મોટી ભૂલ કરી છે.અમે સોસાયટીની સમસ્યા હોવાનાં કારણે રજૂઆત કરવા માટે આવ્યા હતા.તો આ લોકો અમારી ઉપર કેસ કરવાની વાત કરે છે.અમે તમામ ઘણા મહિનાઓથી રજૂઆત કરીએ છીએ અને પોલીસ સ્ટેશનમાં પણ પાંચ વખત અરજી આપી છે.અમે આવ્યા ત્યારે અમારી સાથે પોલીસવાળા પણ હતા છતાં પણ આ લોકો એમને એવી ધમકી આપે છે કે,તમે અમારી પાસેથી પાંચ લાખ રૂપિયાની ખંડણી લેવા માટે આવ્યા છો.


