નવી દિલ્હી : કોંગ્રેસ કારોબારીની આજની બેઠકમાં રાજસ્થાનના ઉદયપુરમાં તા. ૧૩- થી ૧૫ દરમિયાન યોજાનારી ચિંતન શિબિર અંગે ચર્ચા થઈ હતી.અહીં મહત્વની વાત તો તે છે કે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં આ ચોથી ચિંતન-શિબિર યોજાવાની છે.આ પુર્વે ત્રણ વખત પાર્ટી ચૂંટણી પરિસ્થિતિ અંગે ‘મંથન’ કરી ચુકી છે તે સંબંધે આંકડાઓ દર્શાવે છે કે એક માત્ર ૨૦૦૩ની ‘ચિંતન-શિબિર’ પછી કોંગ્રેસે ૨૦૦૪માં સત્તા પ્રાપ્ત કરી હતી અને દસ વર્ષ સુધી રાષ્ટ્ર પર શાસન કર્યું હતું.
મીડીયા રીપોર્ટસ પ્રમાણે સોનિયા ગાંધીના નેતૃત્વમાં આ પૂર્વે ત્રણ ચિંતન-શિબિર યોજાઈ હતી. ૧૯૯૮, ૨૦૦૩ અને ૨૦૧૩માં ચિંતન-શિબિરો યોજાઈ હતી. ૨૦૦૩ની શિબિર સફળ રહી તે પછી ૨૦૦૪માં પાર્ટીએ સત્તા પ્રાપ્ત કરી અને ૧૦ વર્ષ સુધી દેશ પર શાસન પણ કર્યું. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ૩જી મેના દિવસે કોંગ્રેસની એક મીટીંગ યોજાઈ હતી. તેમાં ચિંતન શિબિરની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી, તે બેઠકમાં અંબિકા સોની, જયરામ રમેશ, મુકુલ વાસનિક અને કે.સી. વેણુગોપાલ ઉપસ્થિત હતા.કોંગ્રેસ માટે આ ‘શિબિર’ એટલા માટે જરૂરી છે કે, ૨૦૧૪ પછી પાર્ટી ઘણી ઘણી ચૂંટણીઓ હારી ગઈ છે. તેટલું જ નહીં પરંતુ પંજાબમાં આ ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ને તદ્દન નવોદિત તેવી ‘આમ આદમી પાર્ટીના’ હાથે પરાજય વેઠવો પડયો.કહેવાય છે કે પાર્ટી સમક્ષ સૌથી મોટો પડકારનો હિન્દુત્વની રાજનીતિનો છે.
આમ છતાં કોંગ્રેસ પોતાની પૂર્વેની શિબિરોમાંથી અનુભવ મેળવી શકે છે.પંચમઢી સત્ર દરમિયાન શ્રીમતી ગાંધીએ ચૂંટણી પરાજયોનાં કારણો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાવ્યું હતું. છતાં તેને ચિંતા માટેનું કારણ માન્યુ ન હતું. પરંતુ સામાજિક – આધારની દ્રષ્ટિએ થયેલા નુકસાન અંગે ચિંતા દર્શાવી હતી.બીજી તરફ ગઠબંધન, માત્ર સમયોચિત અનિવાર્યતા ગણાવતાં તે સ્વીકાર્યું હતું કે તેને લીધે નિશ્ચિત રાજનીતિ ઘડી શકાતી નથી.આ જ વાત શીમલા બેઠક સમયે પણ ચર્ચામાં આવી હતી. તે પછી પાર્ટીએ સુધારો કર્યો તે સમયે સોનિયા ગાંધી રામવિલાસ પાસવાનને મળ્યા હતા અને રાજદનો પણ સાથ મેળવી પાર્ટી બિહારમાં બળવાન બની.
મહત્વની વાત તો તે છે કે કોંગ્રેસ ઘણા સમયથી પોતાની જ સરકાર રચવામાં અસમર્થ રહી છે.તેને ગઠબંધનનો આશ્રય લેવો જ પડયો છે.બીજી તરફ પ્રાદેશિક પક્ષોની શક્તિ વધતી ગઈ છે.સિમલા શિબિરની વાત લઈએ તો તેમાં સુશાસન, મનરેગા, આરટીઆઈ, ખાદ્ય સલામતી, દલિતો, આદિવાસી અન્ય પછાત વર્ગો અને લઘુમતીઓ માટે કાનૂની સમાનતા ઉપર ભાર મુકાયો હતો.જ્યારે ઉદયપુરની ચિંતન શિબિરમાં આર્થિક પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેમ અંદરનાં વર્તુળો જણાવે છે.