– બોલીવૂડ ડાયરેક્ટરે પોતાની ટ્વીટમાં PMOને પણ ટેગ કર્યુ
– યૂઝર્સ દ્વારા ઘાઇને પણ દાન કરવાની સલાહ
મુંબઇ : વૈશ્વિક કોરોના મહામારી અને તેના ફેલાવાને રોકવા માટે મજબૂર બનેલા દુનિયાભરના દેશોએ કરેલા લોકડાઉને વૈશ્વિક અર્થવ્યવસ્થાની કમર તોડી નાંખી છે.આ મહામારીની ખરાબ અસર ભારત જેવા વિકાસશીલ દેશની અર્થવ્યવસ્થા પર પણ પડી છે.લોકડાઉન જેવા પગલાને લીધે ભારતમાં પણ ખરાબ સ્થિતિ પેદા થઇ ચૂકી છે.ભારતની વસ્તીનો મોટો હિસ્સો ગરીબ,મધ્યમ વર્ગ અને મજૂરોનો છે અને લોકડાઉનની સીધી અસરથી આજ વર્ગો સૌથી વધુ પ્રભાવિત બન્યા છે.મહામારીની શરુમાં જ સરકારે આર્થિક સહાયની જાહેરાતો કરી દીધી હતી અને અત્યાર સુધી મદદ પહોંચાડી રહી છે.જોકે સરકારના અનુરોધ પર દેશવાસીઓ અને મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આર્થિક મદદ કરી કોરોના સામેની લડાઇમાં યોગદાન આપી રહ્યા છે.
એવામાં બોલીવૂડ ડાયરેક્ટર સુભાષ ઘાઇએ ભારતના મંદિરોને સલાહ આપી વિવાદ ઉભો કરી દીધો છે.કોરોના મહામારી સામેની લડાઇમાં ઘાઇએ સલાહ આપતા ટ્વીટ કરી છે કે દેશના મંદિરોએ 90 ટકા સોનુ દાન કરી યોગદાન આપવુ જોઇએ.તેમણે ટ્વીટ કર સવાલ કર્યો હતો કે આ સંકટના સમયે મંદિરો સોનુ દાન કેમ નથી કરી રહ્યા.તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે ભારતમાં ધનિક મંદિરો પાસે પુષ્કળ સોનુ છે. તેઓએ જાતે જ સામે આવીને સરકારને 90 ટકા સોનુ દાન કરી દેવુ જોઇએ, જેથી ગરીબ વર્ગની મદદ કરી શકાય.મંદિરોને પણ આ તમામ લોકોએ ભગવાનના નામે દાન કર્યુ હતું.બોલીવૂડ ડાયરેક્ટરે પોતાની ટ્વીટમાં PMOને પણ ટેગ કર્યુ છે.જોકે ઘાઇની ટ્વીટ પર અલગ-અલગ પ્રતિક્રિયા આવી રહી છે, જેમાં કેટલાક લોકો તેમની સલાહને સપોર્ટ કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકોએ તેમની ટીકા શરુ કરી દીધી છે. કેટલાકે તો ઘાઇને જાતે જ દાન કરવાની સલાહ પણ આપી છે.આ આખો વિવાદ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણની એક ટ્વીટ બાદ શરુ થયો છે.13મે તેમણે ટ્વીટ કરી સરકારને અપીલ કરી હતી કે તે તમામ ધાર્મિક ટ્રસ્ટ પાસે રહેલા સોનાનો ઉપયોગ કરે.

