વડોદરા,તા.૨૬
વડોદરા શહેરના વાડી બદરી મહોલ્લામાં વહેલી સવારે ૩ મજલી મકાનનો અક ભાગ જમીનદોસ્ત થઇ ગયો હતો. વહેલી સવારે બનેલા બનાવને પગલે નિંદ્રાધિન પરિવારના બે વ્યક્તિઓ કાટમાળ નીચે દબાઇ ગયા હતા. જ્યારે અન્ય ચાર લોકો ફસાઇ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડ પહોંચી ગયું હતું. અને કાટમાળ નીચે દબાઇ ગયેલા બે વ્યક્તિઓને બહાર કાઢી હોસ્પિટલમાં રવાના કર્યાં હતા. અને બાકીના ૩ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા.
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા બદરી મહોલ્લામાં રહેતા અને વાડી ટાવર પાસે ચશ્માની દુકાન ધરાવતા મુમતાજભાઇ ભાઇસાહેબ(૫૨) પરિવાર સાથે રહે છે. પરિવારમાં ૬ સભ્યો છે. આજે વહેલી સવારે ૬ વાગ્યાના સુમારે પરિવાર સૂઇ રહ્યું હતું. દરમિયાન એકાએક તેઓનું ૩ મજલી જર્જરિત મકાનનો એક ભાગ ધડાકા સાથે ઘરની અંદરના ભાગે ધરાશાયી થયો હતો. જેમાં મકાનના નીચેના ભાગે સૂઇ રહેલા મુમતાજભાઇ ભાઇસાહેબ અને નેરૂબહેન ભાઇસાહેબ(૨૦) કાટમાળ નીચે દટાઇ ગયા હતા. જ્યારે બીજા માળે સૂઇ ગયેલા પરિવારના ચાર વ્યક્તિઓ ઘરમાં ફસાઇ ગયા હતા.
પ્રચંડ ધડાકા સાથે મકાન તૂટી પડતાં મહોલ્લાના લોકો દોડી આવ્યા હતા. તે પૂર્વે નમાઝ પઢવા જઇ રહેલા મહોલ્લાના મુસ્તાકભાઇ ટીનવાલાએ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા તુરંત જ ગાજરાવાડી ફાયર સ્ટેશનના અધિકારી જયદીપસિંહ ચાવડા સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને કાટમાળ નીચે દટાઇ ગયેલા મુમતાજભાઇ અને નેરૂબહેનને બહાર કાઢી હોસ્પિટલમાં રવાના કર્યાં હતા. કાટમાળ નીચે દબાઇ ગયેલા બે વ્યક્તિ પૈકી નેરૂબહેનને વધુ ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મકાનના બીજા-ત્રીજા માળે ફસાયેલા પરિવારના ચાર સભ્યોને હેમખેમ બહાર કાઢયા હતા.
મકાનનો જર્જરિત ભાગ ધરાશાયી થતાં ૬ લોકોને રેસ્ક્યૂ કરાયાં, ૨ ઇજાગ્રસ્ત
Leave a Comment