ભાવનગર તા.18 : જીવનની અનિશ્ચિતતાઓનો વધુ એક તાજો દાખલો એટલે ગઈકાલે મધ્યપ્રદેશમાં ઘટેલી બસ દુર્ઘટના.આજના અખબારી હેવાલો અનુસાર ગઈકાલે મધ્યપ્રદેશના સીધી નજીક એક પ્રવાસી બસ નહેરમાં પડી જતા કરુણાંતિકા સર્જાઈ છે. આ દુ:ખદ ઘટનામાં 48 લોકોએ પોતાનો પ્રાણ ગુમાવ્યો છે. શ્રી હનુમાજીની સાંત્વના રૂપે આ તમામ મૃતકોના પરિવારજનોને રૂ. 5 હજારની તત્કાલ સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુએ મોકલવા જણાવ્યું છે.આ સહાયતાની કુલ રૂપિયા રાશિ બે લાખ ચાલીસ હાજર થાય છે.મધ્યપ્રદેશ સ્થિત રામકથાના શ્રોતઓ દ્વારા આ રાશિ વિતરિત કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તામિલનાડુના વિરુદનગરમાં ફટાકડાના કારખાનામાં આગ લગતા 17 લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા તેમને પણ આ જ પ્રકારે સહાયતા પહોંચતી કરવામાં આવી રહી છે.તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી તેમના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.