અમદાવાદ : ગુરુવાર,16 જુન,2022 : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા શહેરના કાયમી પાણી ભરાઈ રહેતા એવા ચાલીસ તળાવમાં પોરાભક્ષક એવી ગંબુશિયા માછલી મુકાઈ છે.એક માદા માછલી ચાર અઠવાડીયામાં ૧૦૦થી ૨૦૦ બચ્ચાને જન્મ આપે છે.એક માછલી દિવસના ૮૦ થી ૩૦૦ મચ્છરના પોરા ખોરાક પેટે લે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-મેલેરિયા વિભાગ તરફથી શહેરના મધ્યઝોનમાં આવેલા એક,ઉત્તરઝોનના ત્રણ,દક્ષિણઝોનના ૧૪,પુર્વઝોનના આઠ ઉપરાંત પશ્ચિમ ઝોનના બે તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનના પાંચ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના સાત તળાવમાં પોરાભક્ષક માછલી મુકવામાં આવી છે.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડો.ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે,ગંબુશિયા અને ગપ્પી આ બંને પોરાભક્ષક માછલી છે.કાયમી ધોરણે ભરાઈ રહેતા છીછરા પાણીમાં આ માછલીઓ રહેવાનું પસંદ કરતી હોય છે.જે ભાગમાં મચ્છરના પોરા વધુ પ્રમાણમાં રહેતા હોય છે.જેથી મચ્છર નિયંત્રણમાં વધુ અસરકારક પુરવાર થાય છે.


