સુરતના મજુરા અને ચોર્યાસી તાલુકામાં દરિયા કાંઠે આવેલા ગામોમાં આવેલા ઝિંગા તળાવોના ડિમોલિશનની કામગીરી આગામી તા.23મી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે.સ્થાનિકોએ પોતાની આજીવિકા છીનવાઇ જવાનું જણાવીને ગુજરાત હાઇર્કોટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં થયેલી ફરિયાદને પગલે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા કાંઠા વિસ્તારમાં સરકારી જમીન પર તાણી દેવામાં આવેલા ઝિંગા તળાવ તોડી પાડવા માટેની કડક હાથે કામગીરી શરૂ કરી દીધી છે.
ઓલપાડ તાલુકાના મન્દ્રોઇ ગામથી ગેરકાયદેસર ઝિંગા તળાવો દુર કરવાની શરૂ થયેલી કામગીરી મજુરાના ખજોદ સામ સુધી પહોંચી છે.છેલ્લા બે દિવસથી ખજોદગામ ડાયમંડ બુર્સ પાસેના ઝિંગા તળાવો તોડવામાં આવી રહ્યા હતા.દરમિયાનમાં કાંઠા વિસ્તારના ઝિંગા ઉચ્છેરના વ્યવસાય સાથે સંકળાયેલા 6થી વધુ લોકોએ ગુજરાત હાઇર્કોટમાં પિટિશન દાખલ કરીને તળાવો તોડી નાખવાની કામગીરી અટકાવી દેવાની દાદ માંગવામાં આવી છે. હાઈકોર્ટ આ પિટીશનની સુનાવણી તા.23મી ફેબ્રુઆરીએ રાખી સુનાવણી સુધી ડિમોલેશનની કાર્યવાહી કરવા પર સ્ટે મૂક્યો છે.જોકે,ઓલપાડ તાલુકાના ઝિંગા તળાવો તોડવાની કામગીરી ચાલુ રહશે.


