બારડોલી : મઢી સુગર ફેક્ટરીમાં 265 એકર શેરડી કાપણી બાકી રહી જતાં વિવાદ સર્જાયો છે.ત્યારે ફેક્ટરી સાઇટની જવાબદારી સંભાળનાર ડિરેક્ટર જીતેન્દ્રભાઈ પટેલે જવાબદારીમાંથી રાજીનામું આપી દેતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે મળતી માહિતી અનુસાર મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના ડાયરેક્ટર જીતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલને ગત 4 જૂન 2021ના રોજ મળેલી એક્ઝિક્યુટીવ કમિટીની મિટિંગમાં ઠરાવ નંબર 3થી સંસ્થાની ફેક્ટરી સાઇટ પર કારખાનું સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટેની સંપૂર્ણ જવાબદારી અને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો.
જીતેન્દ્રભાઈએ આ જવાબદારીમાંથી મુક્ત થવા માટે સંસ્થાના પ્રમુખને રાજીનામું આપતો પત્ર લખ્યો છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે,ફેક્ટરી બંધ થયા વગર મહત્તમ પીલાણ સાથે ઉત્પાદન મેળવે એ માટે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી.પરંતુ જ્યારે પણ કોઈ બાબતે તેમના સલાહ સૂચન લેવાના હોય,પીલાણ સિઝન 2021-22 મહત્તમ પીલાણ,મહત્તમ ઉત્પાદન અને સારી રિકવરી સાથે પૂર્ણ થાય તે માટે તેમને અનેક સલાહ સૂચનો આપ્યા હતા.પરંતુ તેમના સલાહ સૂચનોની વખતોવખત અવગણના કરવામાં આવી હોવાનો આક્ષેપ રાજીનામાં પત્રમાં લગાવવામાં આવ્યો છે.મહત્વની જવાબદારી હોવા છતાં તેમના સલાહ સૂચનોની સતત અવગણના થતી હોય તેમણે આ જવાબદારીમાંથી મુક્ત થવા માટે સંસ્થાને પત્ર લખ્યો છે.
આ પત્રથી બારડોલી તાલુકાનાં સહકારી રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.ત્યારે આ અંગે સુગર ફેક્ટરીના પ્રમુખ અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.અત્રે ઉલ્લેખનીય છે કે,સુગર ફેક્ટરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વખતે પણ જીતેન્દ્રભાઈએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલને પત્ર લખી ઉપપ્રમુખ પદ માટે તેમના વિરુદ્ધ મત કરનાર સામે પગલાં લેવાની માગ કરી હતી.