– અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સાંજે ઈરોઈસેમ્બામાં બની હતી
– આસામ રાઈફલ્સ દ્વારા સંચાલિત કેમ્પમાં હોવા છતાં છોકરાને ગોળી વાગી હતી
મણિપુરમાં હજુ સ્થિતિ સામાન્ય થઈ નથી.પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં લોકોની ભીડે રસ્તામાં એમ્બ્યુલન્સ અટકાવીને તેને આગ ચાંપી દીધી હતી.જેમાં એક આઠ વર્ષનો છોકરો,તેની માતા અને તેમાં સવાર અન્ય એક સંબંધીનું મૃત્યુ થયું હતું.અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સાંજે ઈરોઈસેમ્બામાં બની હતી.તેમણે કહ્યું કે ગોળીબારની ઘટના દરમિયાન બાળકને માથામાં વાગ્યું હતું અને તેની માતા અને એક સંબંધી તેને ઈમ્ફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.અધિકારીના જણાવ્યા અનુસાર ટોળાના હુમલામાં માર્યા ગયેલા ત્રણ લોકોની ઓળખ તોન્સિંગ હેંગિંગ (8),તેની માતા મીના હેંગિંગ (45) અને સંબંધી લિડિયા લોરેમ્બમ (37) તરીકે થઈ છે.
આસામ રાઈફલ્સના અધિકારીએ ઘટનાની પુષ્ટી કરી
આસામ રાઈફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ઘટનાસ્થળ અને આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે આદિવાસીનો પુત્ર તોન્સિંગ અને મૈતેઈ જાતિની તેની માતા કંગચુપમાં આસામ રાઈફલ્સના રાહત શિબિરમાં રહેતા હતા. 4 જૂને સાંજે આ વિસ્તારમાં ગોળીબાર શરૂ થયો હતો અને બાળકને કેમ્પમાં હોવા છતાં ગોળી વાગી હતી.
આસામ રાઈફલ્સની સુરક્ષામાં લઈ જવામાં આવી હતી એમ્બ્યુલન્સ
સૂત્રોએ જણાવ્યું હતું કે, “આસામ રાઇફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ તરત જ ઇમ્ફાલમાં પોલીસ સાથે વાત કરી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી.માતા બહુમતી સમુદાયની હતી,તેથી બાળકને ‘રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ’માં રોડ માર્ગે લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો.એમ્બ્યુલન્સને આસામ રાઈફલ્સના રક્ષણ હેઠળ થોડા કિલોમીટર સુધી લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક પોલીસે ચાર્જ સંભાળ્યો હતો.