નવી દિલ્હી, તા. 29 જુલાઈ 2023, શનિવાર : મણિપુર હિંસાને લઈને દેશમાં ઘણાસાણ મચ્યુ છે.સંસદના ચોમાસુ સત્રમાં આ મુદ્દે જોરદાર હંગામો ચાલી રહ્યો છે.આ વચ્ચે પૂર્વ સેના પ્રમુખ જનરલ (રિટાયર) એમએમ નરવણેએ મણિપુર હિંસામાં વિદેશી શક્તિઓ સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી છે.તેમણે કહ્યું કે, મણિપુર હિંસામાં વિદેશી એજન્સીઓની સંલિપ્તતાથી ઈનકાર ન કરી શકાય.
પૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યું કે, સરહદી રાજ્યોમાં અસ્થિરતા દેશની એકંદર રાષ્ટ્રીય સુરક્ષા માટે સારી નથી.તેમણે મણિપુરમાં વિદ્રોહી સંગઠનોને ચીન દ્વારા આપવામાં આવી રહેલી મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો.ભૂતપૂર્વ આર્મી ચીફ દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સુરક્ષા પરિપ્રેક્ષ્ય પર ચર્ચા દરમિયાન મણિપુર હિંસા પર પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
પૂર્વ આર્મી ચીફે બીજુ શું કહ્યું?
એમએમ નરવણેએ આગળ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, જે લોકો સત્તા પર છે અને જે પણ કાર્યવાહી કરવી જોઈએ તે કરવા માટે જવાબદાર છે તેઓ પોતાનું સર્વશ્રષ્ઠ કરી રહ્યા છે.હું કહું છું કે, વિદેશી એજન્સીઓની ભાગીદારીથી ઈનકાર ન કરી શકાય. તેઓ નિશ્ચિતરૂપે આ હિંસામાં સામેલ છે.તેમણે ચીન પર આરોપ લગાવતા કહ્યું કે, ચીન ઘણા વર્ષોથી આ વિદ્રોહી સંગઠનોની મદદ કરી રહ્યું છે અને હજું પણ તે ચાલું જ રાખશે.
માદક પદર્થોની તસ્કરીને લઈને કહી આ વાત
મણિપુરમાં થયેલી હિંસામાં માદક પદાર્થોની તસ્કરીના સવાલ પર તેમણે કહ્યું કે માદક પદાર્થોની તસ્કરી ઘણા લાંબા સમયથી થઈ રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોની માત્રામાં વધારો થયો છે.આપણે ગોલ્ડન ટ્રાઈએંગલ (એ વિસ્તાર જ્યાં થાઈલેન્ડ, મ્યાનમાર અને લાઓસની સરહદો મળે છે) થી થોડા જ દૂર છીએ.મ્યાનમાર હંમેશા અવ્યવસ્થિત અને લશ્કરી શાસનની સ્થિતિમાં રહે છે.તેથી જ માદક પદાર્થોની તસ્કરી હંમેશાથી થતી રહી છે.