લખનઉ, તા.૧૨ : મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.હાઈકોર્ટે મથુરાની અદાલતને મહત્તમ ચાર મહિનામાં બધી જ અરજીઓનો નિકાલ લાવવા નિર્દેશ આપ્યા છે.અલ્હાબાદ હાઈકોર્ટે સુન્ની વકફ બોર્ડ અને અન્ય પક્ષકારો સુનાવણીમાં સામેલ ના થાય તો એકપક્ષીય આદેશ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાનના વાદ મિત્ર મનીષ યાદવની અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો.હિન્દુ પક્ષકારો તરફથી દાખલ અરજીમાં અપીલ કરાઈ હતી કે વિપક્ષ અથવા અન્ય પક્ષકારો કોર્ટમાં હાજર ના થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય અને એક તરફી ચૂકાદો આપવામાં આવે.
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર મથુરાની સેશન કોર્ટમાં ૬ઠ્ઠી મેએ સુનાવણી પૂરી થઈ ગઈ છે.કોર્ટે આ કેસમાં ૧૯મી મે સુધી ચૂકાદો અનામત રાખ્યો છે.લખનઉ નિવાસી રંજના અગ્નિહોત્રીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિની ૧૩.૩૭ એકર જમીનની માલિકીની માગણી કરતા કેસ કર્યો છે.આ કેસમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં બનેલી શાહી ઈદગાહ મસ્જિદ હટાવવા પણ માગણી કરાઈ છે.કોર્ટમાં દાખલ અરજીમાં ભગવાન કૃષ્ણના જન્મસ્થાન પાસે કટરા કેશવ દેવ મંદિરના ૧૩.૩૭ એકરના પરિસરમાં મુઘલ રાજા ઔરંગઝેબના આદેશ પર ૧૬૬૯-૭૦માં કથિત રીતે બનેલી મસ્જિદ હટાવવા માગણી કરાઈ છે.