– સુરત મનપાનું કર – દર વધારા વિનાનું વાસ્તવિક બજેટ
સુરત : સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આજે સને ૨૦૨૧-૨૨નું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. અંદાજીત ૬૫૩૪ કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટમાં કુલ કેપિટલ બજેટ ૩૦૦૯ કરોડ રૂપિયાનું નિધાર્રિત કરવામાં આવ્યું છે.કોઈપણ પ્રકારના વેરા વધારા વગરનું વાસ્તવિકત બજેટ રજુ કરતાં મ્યુનિસિપલ કમિશનરે મનપાનું વહીવટી તંત્ર સુરત શહેરના સર્વાંગી વિકાસને કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.સુરત શહેરને વૈશ્વિક સ્તરની સ્માર્ટ સિટી બનાવવાના સંકલ્પને સાર્થક કરવાની સાથે સાથે ડ્રાફ્ટ બજેટમાં શહેરના તમામ વિસ્તારો અને છેવાડાના નાગરિકોને પણ માળખાગત સુવિધાઓ પુરી પાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
સુરત મહાનગર પાલિકાના સને ૨૦૨૧-૨૨ના કુલ અંદાજીત ૬૫૩૪ કરોડના ડ્રાફ્ટ બજેટમાં સૌથી વધુ ધ્યાન સુરત શહેરને સસ્ટેનેબલ ઈકો સીટી બનાવવા તરફ રાખવામાં આવ્યું છે.જે અંતર્ગત રિસાયકલિંગ – રીયુઝ ઓફ વોટર,રીન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની યોજનાઓ પર સવિશેષ ભાર મુકવામાં આવ્યો છે.બજેટમાં કુલ રેવન્યુ આવકનો લક્ષ્યાંક ૩૩૬૨ કરોડ સામે ૩૦૮૫ કરોડ રૂપિયાના રેવન્યુ ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે.જે પૈકી સૌથી વધુ ૧૮૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ મહેકમ પાછળ જ્યારે મરામત – નિભાવ અને વિજળી પાછળ ૭૫૯ કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યો છે.ડ્રાફ્ટ બજેટમાં ચાલુ વર્ષે પણ ઓક્ટ્રોયની અવેજીમાં સરકાર દ્વારા મળનારી ગ્રાન્ટ ગત વર્ષ જેટલી જ ૭૯૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.આ સિવાય જનરલ ટેક્સ પેટે ૫૧૪ કરોડ,યુઝર ચાર્જ પેટે ૮૨૨ કરોડ રૂપિયા અને નોન-ટેક્ષ રેવન્યુ પેટે ૭૨૮ કરોડ જયારે વાહન વેરા પેટે ૮૦ કરોડ,વ્યવસાય વેરા પેટે ૧૫૨ કરોડ અને રેવન્યુ ગ્રાન્ડ,સબસિડી અને કોન્ટ્રીબ્યુશન પેટે ૨૨૧ કરોડની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે.આ સિવાય અન્ય આવક પેટે પણ ૫૦ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
દિવાસ્વપ્ન સમાન નવા પ્રોજેક્ટોની બાદબાકી
નવા બજેટમાં ગત વર્ષના બજેટમાં જે પ્રોજેક્ટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેવા તાપી રિવર ફ્રન્ટ,મેટ્રો,કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ અને સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.જે અંતર્ગત બેરેજ તથા રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્સી સહિત ૨૭ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.આ સિવાય મેટ્રો પ્રોજેક્ટમાં સુરત મહાનગર પાલિકાના ફાળા પેટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
દિલ્હીની જેમ હવે સુરતમાં પણ શરૂ થશે મહોલ્લા ક્લીનીક
સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજુ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ૩૯૩ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.જ્યારે સુરત શહેરના નવા સમાવિષ્ટ વિસ્તારો સહિત અલગ – અલગ સ્થળે નવા ૪૨ ક્લીનીક પણ શરૂ કરવામાં આવશે. જ્યારે આગામી સમયમાં ૩૬ નવા શહેરી આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાની સાથે કુલ આંકડો ૮૮ પર પહોંચશે.આ સિવાય શહેરના ગરીબ અને શ્રમિકોના સ્વાસ્થ્ય મુદ્દે સંવેદના દાખવતાં આગામી સમયમાં સ્લમ વિસ્તારોમાં ૧૦ હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ ક્લીનીકનો પણ પ્રારંભ કરવામાં આવશે. જેનો સમય સાંજે પાંચ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી રહેશે.
આગામી વર્ષમાં શહેરના રસ્તાઓ પર ૩૦૦ ઈલેક્ટ્રીક બસો દોડશે
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના રસ્તાઓ પર આગામી વર્ષમાં ૩૦૦ ઈલેક્ટ્રીક બસો દોડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.જે પૈકી જુન ૨૦૨૧ સુધીમાં ૧૫૦ ઈ-બસ શરૂ કરવામાં આવશે અને આગામી વર્ષમાં અન્ય ૧૫૦ બસો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.જે માટે ૫૫.૨૬ રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવે ૧૦ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.જ્યારે શહેરીજનો પણ ઈલેક્ટ્રીક વ્હીકલના ઉપયોગ માટે પ્રેરિત થાય તે માટે આગામી સમયમાં અલગ – અલગ વિસ્તારોમાં ૫૯ જેટલા ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે.
સ્મીમેરના ખર્ચને પહોંચી વળવા ટ્રસ્ટની રચના
વર્ષેદહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પીટલ માટે ડ્રાફ્ટ બજેટમાં એક અલાયદા ટ્રસ્ટની રચના કરવાનો પ્રસ્તાવ કમિશનર દ્વારા રજુ કરવામાં આવ્યો છે.જે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સુરત મહાનગર પાલિકાના વહીવટી ભારણને સરળ બનાવવાની સાથે સાથે મનપા દ્વારા કરવામાં આવતાં ખર્ચનું ભારણ ઘટાડવાનો છે.આ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ કરવાનું રહેશે.જેનું નામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (એસએમસી-એમઈટી) રાખવામાં આવશે.
૪૫૩ કરોડના ખર્ચે ૨૦ હજાર આવાસોનું નિર્માણ કરાશે
સ્વચ્છ સુરત… સુંદર સુરત….ની સાથે સાથે સ્લમ મુક્ત સુરત બનાવવા માટે કટિબદ્ધ સુરત મહાનગર પાલિકા દ્વારા આગામી વર્ષના બજેટમાં સ્લમ અપગ્રેડેશન વિભાગ માટે ૪૫૩ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.આગામી વર્ષ ૨૦૨૧-૨૨માં સુરત મહાનગર પાલિકા દ્વારા ૨૦ હજાર નવા આવાસો બનાવવાનું પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
૧૫ કરોડના ખર્ચે આઠ બેન્ડીકુટ રોબોટની ખરીદી
સુરત મહાનગર પાલિકાના વર્ષ ૨૦૨૧-૨૨ના ડ્રાફ્ટ બજેટમાં કમિશનર દ્વારા ડ્રેનેજ વિભાગ માટે ગત વર્ષની તુલનાએ અંદાજે ૩૮ કરોડના વધારા સાથે કુલ ૩૯૭.૪૬ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.આગામી વર્ષોમાં સુરત શહેરમાં આવેલા કુલ સુએઝ પમ્પીંગ સ્ટેશનની સંખ્યા ૬૧ થી વધારીને ૬૪ થશે. આ સિવાય છાશવારે જામ થતાં મેનહોલની સફાઈ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ૧૪.૭૦ કરોડના ખર્ચે આઠ બેન્ડીકુટ રોબોટની ખરીદી કરવામાં આવી છે.


