નર્મદા જિલ્લાના સાતેક જેટલાં ગામો ઇકોસેન્સિટિવ ઝોનમાં ગયાં હોવાથી સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં જમીન જવાનો ભય ફેલાયો છે.તે મુદ્દે મનસુખ વસાવાએ કેટલાંય સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે સમાધાન માટે સમય માંગ્યો હતો પરંતુ સમય ન મળતાં વસાવાએ નારાજગી દર્શાવી રાજીનામું આપ્યું હોવાનું સૂત્રો જણાવે છે.જો કે ભાજપના જ નેતા જણાવે છે કે વસાવા પોતાના વિસ્તારમાં પોતાનું રાજકીય મહત્ત્વ ઘટતું હોવાથી નારાજ છે.પાર્ટી હાઇકમાન્ડે તેમના સમાંતર જ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાને વધુ મહત્ત્વ આપ્યું હોવાથી તેઓ પોતાના અસ્તિત્ત્વના ખતરાની ચિંતામાં છે.
નાના મગજ પર અસર થઈઃ વસાવા
આ તરફ પાટીલે વસાવા સાથે ચર્ચા કરવા માટે મહામંત્રી ભરતસિંહ પરમારને મોકલ્યા હતા તો મુખ્યમંત્રીને ઇકોસેન્સિટીવ ઝોન મુદ્દે કામ કરવા જણાવ્યું હતું અને તેને લઇને સરકારે એક બેઠક પણ યોજી હતી. જો કે આ મુદ્દે સરકારમાંથી કોઇએ કાંઇ જણાવ્યું ન હતું.આ તરફ વસાવાએ પણ જણાવ્યું કે પક્ષ મનાવશે તો પણ હું રાજીનામું પાછું ખેંચીશ નહીં. કમરમાં દુખાવને કારણે મારા નાના મગજ પર અસર થઇ હોવાથી હવે હું કામનો ભાર સહન કરી શકું તેમ નથી.
સરકાર વિરોધી વલણને કારણે રાજીનામુ આપ્યું હોવાની શક્યતા
ભાજપના સૂત્રો જ જણાવે છે કે આગામી સમયમાં મનસુખ વસાવાને પાર્ટીની ટિકીટ મળે તેમ નથી.વધુમાં તેમના સરકાર વિરોધી વલણને કારણે તેમના પર જ રાજીનામું આપવાનું દબાણ થયું હોય તે વાત પણ નકારી શકાય નહીં. વધુમાં વસાવાના જવાથી પાર્ટીને કોઇ સીધું નુક્સાન નહીં થાય અને પેટાચૂંટણી થાય તો ભાજપ ફરી જીતી પણ જાય.પરંતુ અગાઉ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની વાત કોઇ સાંભળતું નહીં હોવાનુ કહી રાજીનામું આપવાનું કહ્યું હતું તેવો જ આ કિસ્સો છે.વસાવાની નારાજગીને કારણે ઇનામદાર જેવાં પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓના દિલમાં રહેલો છૂપો રોષ ઉપલી સપાટી પર આવી જાય તો તે સ્થિતિને પહોંચી વળવું મુશ્કેલ બને તેમ હોવાથી પક્ષ વસાવાને મનાવવા પ્રયત્નો કરી રહ્યો છે.
રૂપાણીના માથે ભીંસ વધશે
આ અગાઉ ઇનામદાર મામલે અને હવે વસાવાને કારણે પક્ષમાં આંતરિક અસંતોષ છે તેવી વાત બહાર આવી છે.આ બન્ને નેતાઓએ મુખ્યમંત્રી સાંભળતા નથી તેવાં અંદરના કારણોસર રાજીનામું આપ્યું હોવાની વાતો થઇ રહી છે,તેથી મુખ્યમંત્રી આવી સ્થિતિને કાબૂમાં કરી શકતા નથી તેવી છબી ઉપસાવાઇ રહી હોવાનું ભાજપના જ નેતાઓ જણાવે છે.આ ઘટનાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આડકતરું દબાણ આવી શકે છે.