મુંબઈ, તા. 08 મે 2022 રવિવાર : અમરાવતી સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણા સામે મહારાષ્ટ્ર સરકાર બીજીવાર કોર્ટ જઈ શકે છે.પબ્લિક પ્રોસિક્યૂટર નવનીત અને રવિ રાણા સામે કોર્ટની અવમાનના અરજી દાખલ કરી શકે છે.કોર્ટે રાણા દંપતીને હનુમાન ચાલીસા વિવાદ પર મીડિયા સાથે વાત ન કરવાની શરત પર જામીન આપ્યા હતા પરંતુ રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ નવનીત રાણાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.23 એપ્રિલે રાણા દંપતીની ધરપકડ બાદ 4 મે એ બંનેને જામીન મળ્યા હતા. જામીનમાં મીડિયા સાથે વાત ન કરવાની શરત પણ રાખવામાં આવી હતી. મુક્તિ ઓર્ડર મળ્યા બાદ રાણા દંપતી 5 મે એ જામીન પર જેલમાંથી બહાર આવ્યા હતા.જેલમાંથી બહાર આવતા જ નવનીત રાણા મેડિકલ તપાસ માટે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા.જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ નવનીત રાણાને આજે રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા જ તેમણે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પડકાર પણ આપ્યો. સાથે જ મહારાષ્ટ્ર સરકાર સામે પોતાની લડતને જારી રાખવાનુ એલાન કર્યુ.
– રાણા દંપતી કેસ સાથે જોડાયેલી કોઈ વાત મીડિયા સમક્ષ આવીને કહી શકશે નહીં.
– પુરાવા સાથે કોઈ પ્રકારની છેડછાડ કરી શકશે નહીં
– જે કેસમાં તેમની ધરપકડ થઈ છે તેવુ કાર્ય તેઓ બીજીવાર કરી શકશે નહીં
– રાણા દંપતીને તપાસમાં સહયોગ કરવો પડશે
– જો તપાસ અધિકારી પૂછપરછ માટે બોલાવે છે તો જવુ પડશે, તપાસ અધિકારી આ માટે 24 કલાક પહેલા નોટિસ આપશે
– મુક્તિ માટે 50-50 હજારનો બોન્ડ ભરવો પડશે