રાજકોટ, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : રાજકોટના કોટડા સાંગાણીમાં ભાજપની કારોબારી અધ્યક્ષની ઓફિસમાં પાર્ટીના જ બે આગેવાનો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો બનાવ બનતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.ભાજપના આગેવાન વિનુભાઈની ફરિયાદ મુજબ, કોટડાસાંગાણી તાલુકા પંચાયત ખાતે કારોબારી અધ્યક્ષની ઓફિસમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપના તાલુકા પ્રમુખ જસમતભાઈ સાંગાણી,કારોબારી અધ્યક્ષ ધીરુભાઈ કોરાટ,ન્યાય સમિતિના ચેરમેનના પતિ ગોવિંદભાઈ રાઠોડ,તાલુકા ભાજપના ઉપપ્રમુખ પિન્ટુભાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
બેઠક શરૂ થતા જ ઉપપ્રમુખે પાર્ટીના આગેવાનો ધમકી આપી
બેઠકમાં નશો કરીને આવેલા ઉપપ્રમુખ પિન્ટુભાઈએ ઊભા થઈને કહેવા લાગ્યા કે, મને સાઈડ લાઈન કરશો તો તમને બધાને હું જોઈ લઈશ.જેથી વિનુભાઈએ ખોટી ધમકી આપવાના બદલે આ બાબતે ધારાસભ્ય સાથે વાત કરી લેવા કહ્યું હતું.જેથી ઉશ્કેરાઈ ગયેલા ઉપપ્રમુખે લાતો મારી અને બે ફડાકા માર્યા હતા અને જપાજપી કરીને ગળામાં રહેલી ચેન અને તુલીસીની માળા તોડી નાખી હતી.
આ બાદ પિન્ટુભાઈએ ગાડીમાં પડેલા હથિયાર લેવા જતા હતા.જોકે હાજર લોકોએ તેમને પકડી લીધા અને વિનુભાઈને છોડાવ્યા હતા.આ સાથે ઉપપ્રમુખ પિન્ટુભાઈએ ધમકી આપી કે જો પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ.સમગ્ર બનાવ મામલે વિનુભાઈએ પોતાના જ પક્ષના તાલુકા ઉપપ્રમુખ સામે ફરિયાદ નોંધાવી છે.