નવી દિલ્હી, તા. 16 માર્ચ 2022, બુધવાર : પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રશિયા અને યુક્રેનમાં યુદ્ધના કારણે એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસ અધવચ્ચે છોડીને પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ બંગાળની મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે.વિદ્યાર્થીઓને ફીમાં પણ રાહત આપવામાં આવશે.બુધવારે નેતાજી ઈંદોર સ્ટેડિયમમાં સીએમ મમતા બેનર્જીએ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમની સમસ્યા સાંભળી હતી.મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે,મેડિકલ કાઉન્સિલને આ બાબતે પત્ર લખીશું જેથી તેઓના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે અને તેની સાથે જ મેડિકલ સીટની સંખ્યા વધારવા માટે પણ ફરિયાદ કરીશું.આ અંગે બંગાળના અધિકારીઓ મેડિકલ કમિશનને મળશે.મમતા બેનર્જીએ કહ્યું કે,આ યુદ્ધ સમયની વ્યવસ્થા છે.તે વર્તમાન સિસ્ટમને અસર નહીં કરે.
સીએમ મમતા બેનર્જીએ સ્પષ્ટ કહ્યું કે,જો બંગાળ સરકાર આ સુવિધા આપી રહી છે તો અન્ય રાજ્ય પણ નિશ્ચિત રૂપથી આ સુવિધા આપશે.જો રાષ્ટ્રીય સ્તરે તેની પરવાનગી આપવામાં નહીં આવે તો તે વિદ્યાર્થીઓને લઈને દિલ્હી જશે અને ફરિયાદ કરશે અને જો જરૂર પડી તો તે પીએમ નરેન્દ્ર મોદીને પણ પત્ર લખશે.
સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું કે,બંગાળ સરકારે માનવતાના આધાર પર આ નિર્ણય કર્યો છે અને જરૂર પડી તો આના વિશે પીએમ નરેન્દ્ર મોદીને પણ પત્ર લખીશ.મમતા બેનર્જીએ કહ્યું કે,આશા છે કે,કેન્દ્ર સરકાર માનવતાના ધોરણે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ફરીથી શરૂ કરવાની વ્યવસ્થા માટે મદદ કરશે.પૈસાની બાબતમાં એક સીમા નક્કી કરવામાં આવશે.મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે અને ઈન્ટર્નશિપની પરવાનગી પણ આપવામાં આવશે.તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.મેડિકલ કાઉન્સિલને પત્ર લખશે,જેથી ચોથા અને પાંચમા વર્ષના મેડિકલના વિદ્યાર્થીઓને અહીં ઈન્ટર્નશિપ કરવાની પરવાનગી આપવામાં આવે.છઠ્ઠા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.તેમણે આગળ જણાવ્યું કે,જે લોકો ઓફલાઈન અભ્યાસ કરવા માગે છે તેમના માટે ઓફલાઈન અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે અને જે લોકો ઓનલાઈન અભ્યાસ કરવા માગે છે તેમના માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે.

