અમદાવાદ : નરોડાના આનંદ મેળામાં મૃત્યુ પામેલા બાળક મયૂર ઠાકોર કેસમાં 10 વર્ષે કોર્ટે ચુકાદો આપી તમામ આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે.કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે,મૃતક મયૂરનું પહેલા પાલનપુર અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ધ્યાને લેતા કરંટ લાગવાથી મયૂરનું મોત થયું હોય તેવો કોઇ અભિપ્રાય નથી.ઉપરાંત મૃતકને કંરટ લાગ્યો હોય અને કોઇએ જોયું હોય તેવો કોઇ જ પુરાવો ન હોવાથી આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા ન્યાયોચિત છે.નોંધનીય છે કે,આ કેસમાં તપાસ કરનાર અધિકારીની પણ સંખ્યાબંધ બેદરકારી હતી જેનો લાભ આરોપીઓને મળ્યો છે તે અંગેની નોંધ પણ કોર્ટે ચુકાદામાં કરી છે.
24મી જૂન 2012ના નવ વર્ષિય મયૂર ઠાકોર પોતાના ઘરેથી માંડ ૨૦ ફૂટ દૂર આનંદ મેળામાં ગયો હતો.ત્યાં મોતના કૂવા પાસે શોટ સર્કિટ થતાં તેનું દાઝી જવાથી મોત નિપજ્યું હતું.જો કે મોતના કૂવાના સંચાલકે તેનો મૃતદેહ પાલનપુર પાસેના એક ગામ નજીક ફેંકી દીધો હતો.ત્યાંથી પાંચ દિવસ બાદ મયૂરનો મૃતદેહ મળ્યો હતો અને તેને પહેરેલાં કપડાના આધારે મૃતદેહ ઓળખી કાઢયો હતો.આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી.પોલીસે મેળાના સંચાલક કૃણાલ ભટ્ટ,દેવચંદ્ર ચૌધરી સહિતના આરોપીઓને ઝડપી લીધા હતા.આ કેસમાં તબક્કાવાર આરોપીઓના જામીન થતા તેઓ જેલમાંથી મુક્ત થયા હતા.
મયૂરની કોહવાયેલી લાશ પાલનપુરથી મળી આવી હતી.જેથી તે સમયે તેની ઓળખ પહેરેલા કપડા પરથી પ્રસ્થાપિત થઈ હતી.આ ઘટનાક્રમ બાદ મળી આવેલો મૃતદેહ મયૂરનો છે કે નહીં તેનો વિવાદ સર્જાતા ક્રાઈમ બ્રાન્ચે મયૂરના માતા પિતાના ડીએનએ સેમ્પલ લઈ તેને મળી આવેલા મૃતદેહના ડીએનએ સેમ્પલ સાથે સરખાવતા એફએસએલ મોકલ્યા હતા.જે મેચ થતા મૃતદેહ મયૂરનો જ હોવાનો ખુલાસો થયો હતો.


