મુંબઇ : મોબાઇલ ફોનમાં ગેમ રમવાના વ્યસનના લીધે મુંબઇમાં એક કિશોરે જીવ ગુમાવ્યો છે.માતાએ ગેમ રમવાની ના પાડતાં ગુસ્સામાં આવી ગયેલા ૧૬ વર્ષીય પુત્રએ જીવન ટુંકાવી લીધું હતું.સ્યુસાઇડ નોટ લખીને કિશોરે મલાડ અને કાંદિવલી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે ઝંપલાવી દીધું હતું.પોલીસે આ મામલે અપમૃત્યુનો કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.મલાડમાં દિંડોશી નજીક રહેતા ૧૬ વર્ષીય સંજય(નામ બદલ્યુ છે)ને સતત મોબાઇલ ફોનમાં ગેમ રમતો હતો.આથી તેની માતા કંટાળી ગઇ હતી.માતાએ ગુસ્સામાં તેને ગેમ રમવાની ના પાડી મોબાઇલ ફોન લઇ લીધો હતો.આથી સંજય હતાશ થઇ ગયો હતો.તે સ્યુસાઇડ નોટ લખીને ઘરેથી બહાર ગયો હતો.માતા ઘરે આવી ત્યારે તેને સ્યુસાઇડ નોટ મળી હતી.’પોતે ઘરે પાછો નહી આવશે અને આત્મહત્યા કરવાનો છે.એમ સંજયે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું.તેના કુટુંબીજનો સ્યુસાઇડ નોટ લઇને પોલીસ સ્ટેશનમાં ગયા હતા.પોલીસે આ કિશોરની શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન રેલવેમાં એક કિશોરની આત્મહત્યાની માહિતી મળી હતી પોલીસે તપાસ કરતા આ મૃતદેહ સંજયનો હોવાનું માલૂમ પડયું હતું.ઉલ્લેખનીય છે કે મોબાઈલ ફોનમાં ગેમ રમવાની ના પાડતાં આત્મહત્યાના બનાવ અગાઉ પણ બની ચુક્યા છે.ખાસ કરીને તરુણાવસ્થામાં કિશોર-કિશોરીઓને મોબાઈલનું વ્યસન થઈ ગયું છે.તેઓ મનાઈ પણ સાંભળીશકતાં નથી અને કાચી સમજમાં જીવ ટૂંકાવવાનો નિર્ણય લઈ લે છે.


