– ગોવાથી વિદેશી દારૂ ભરી સુરત આવી રહેલ ટ્રક ચાલકને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો પોલીસે વિદેશી દારૂ, મસાલાના બોક્ષ મળી કુલ 41.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઘલા ગામની સીમમાંથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો.મરી મસાલાના બોક્ષની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી ગોવાથી સુરત લાવવામાં આવ્યો હતો.આ વિદેશી દારૂનો જથ્થો સુરત ખાતે રહેતા નવીને મંગાવ્યો હતો.પોલીસે વિદેશી દારૂની કુલ 195 પેટી તેમજ ટ્રક અને મરી મસાલાના બોક્ષ મળી કુલ 41.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સોને વોંટેડ જાહેર કર્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પોલીસ સ્ટાફના માણસો સુરત જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે નવસારી તરફથી એક ટ્રક નંબર યુ.પી-63-કે-9759 માં વિદેશી દારૂનો જથ્થો ભરી ઘલા પાટિયાથી બોધાન ગામ તરફ જનાર છે.જે હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઘલા ગામની સીમમાં ઘલા પાટિયાથી બોધન ગામ તરફ જતાં રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન બાતમી મુજબની ટ્રક આવતા તેને અટકાવી હતી અને ટ્રકના ચાલકની અટક કરી તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ હવલદાર રામઉગ્ર યાદવ (રહે, ફરીદપૂર, જી-ગાજીપુર- યુ.પી) નો હોવાનું જણાવ્યુ હતું.પોલીસે ટ્રકની પાછળના ભાગે તપાસ કરતાં મરી મસાલાના બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની કુલ 6480 નંગ બોટલ જેની કિંમત રૂ,6 લાખ તેમજ મસાલા,ચટણી અને ટોમેટોપૂરીના બોક્ષ નંગ 533 જેની કિંમત રૂ 25.83 લાખ તેમજ ટ્રક મળી કુલ 41.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે ટ્રકના ચાલકની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ વિદેશી દારૂનો જથ્થો ગોવાના કલનગુડ ખાતે રહેતા સંદીપભાઈએ ભરવ્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો સુરત ખાતે રહેતા નવીનભાઈએ મંગાવ્યો હતો.આ દારૂનો જથ્થો ભરી કામરેજ ટોલનાકા નજીક આવ્યા બાદ નવિનભાઇએ તેને ફોન કરવા જણાવ્યુ હતું કેટી કામરેજ આવ્યા બાદ નવીનભાઈનો સંપર્ક કરતાં તેમણે સુનિલનામના વ્યક્તિને મોકલ્યો હતો.અને આ દારૂનો જથ્થો સુનિલ નામનો વ્યક્તિ જ્યાં કહે ત્યાં ઉતારવાનો હોય જેથી સુનિલ બાઇક ઉપર આવી ટ્રકની આગળ પોતાનું વાહન હંકારી ઘલા ગામની સીમમાંથી લઈ જઇ રહ્યો હતો.તે સમયે પોલીસે દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડતા સુનિલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.પોલીસે નવીન,સંદીપ અને સુનિલને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે