લખનૌ : મહંમદ પયગમ્બર વિવાદને પગલે શુક્રવારની નમાઝ બાદ દેશભરના અનેક રાજ્યોમાં રવિવારે પણ વિરોધ પ્રદર્શનો થયા હતા.પોલીસે યુપી,આસામ,પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોમાં કાર્યવાહી હાથ ધરીને આશરે 400 લોકોની ધરપકડ કરી છે.બીજી તરફ ઉત્તરપ્રદેશમાં હિંસાના આરોપીના ગેરકાયદે મકાનો પર સતત બીજા દિવસે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.પશ્ચિમ બંગાળમાં હજુ પણ હિંસા અટકી રહી નથી.રવિવારે સાંજે નાદિયા જિલ્લામાં મુસ્લિમોના ટોળાએ હુમલા ચાલુ રાખ્યાં હતા અને બેથુઆડરહરી રેલવે સ્ટેશનમાં સ્થાનિક ટ્રેનમાં તોડફોડ કરી હતી.આસામમાં બે જિલ્લામાં નિયંત્રણો લાગૂ કરાયા છે.
ઉત્તરપ્રદેશના આઠ જિલ્લામાં કુલ 304 લોકોની તથા પશ્ચિમ બંગાળના હાવડા અને મુર્શિદાબાદમાં 100 લોકો ધરપકડ કરાઇ હતી.રાંચી પોલીસે હિંસાની ઘટનાઓના સંદર્ભમમાં સેકડો લોકો સામે 25 એફઆઈઆર દાખલ કરી છે.ઝારખંડની રાજધાની રાંચીની હિંસામાં બે લોકોના મોત થયા હતા અને બીજા અનેક લોકો ઘાયલ થયા હતા.આ હિંસા અને તેની સામે થયેલી કાર્યવાહીના મુદ્દે રાજકારણ પણ ચાલુ થયું છે. સમાજવાદી પાર્ટી અને કેટલાંક એક્ટિવિસ્ટ્સે સત્તાવાળાઓ પર મનમાની કરવાનો આક્ષેપ મૂક્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે વડાપ્રધાને અપમાનજનક ટીપ્પણીઓ બાદ નિવેદન આપીને તાકીદે કાર્યવાહી કરવાની જરૂર હતી.જોકે માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો મુદ્દો છે અને રાજ્યોઓ તોફાનીઓ સામે શક્ય તમામ કડક પગલાં લેવા જોઇએ.લોકશાહીમમાં હિંસાનું કોઇ સ્થાન નથી.દરેક મુદ્દાનો ઉકેલ મંત્રણાથી આવી શકે છે તથા પથ્થરમારો,આગજની અને તોફાની વર્તણુંકનું કોઇ સ્થાન નથી.રાજકીય નેતાઓ અને સંગઠનોએ આગમાં ધી હોમવાનું કામ ન કરવું જોઇએ.મહારાષ્ટ્રની ભીવંડી પોલીસે પયંગબર અંગે વિવાદાસ્પદ નિવેદન બદલ સોમવારે હાજર થવા નુપુર શર્માને સમન્સ મોકલ્યું છે,જ્યારે નવીન જિંદાલે 15 જૂને પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
યુપીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આરોપીઓ સામે આકરા પગલાં લેવાની જાહેરાત કરી છે.રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક(કાયદો અને વ્યવસ્થા)પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે આઠ રાજ્યોમાં 13 કેસ દાખલ કરાયા છે અને 304 લોકોની ધરપકડ થઈ છે.પ્રયાગરાજમાં 91,સહારનપુરમાં 71,હાથરસમાં 51,આંબેડકરનગર અને મોરાદાબાદ પ્રત્યેકમાં 34,ફિરોઝાબાદમાં 15,અલીગઢમાં 6 અને જલૌનમાં બે લોકોની ધરપકડ થઈ છે.પ્રયાગરાજમાં સ્થાનિકલ સત્તાવાળાએ ભારે પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારની હિંસાના માસ્ટરમાઇન્ડના ઘર પર રવિવારે બુલડોઝર ફેરવી દીધું હતું.એક દિવસ પહેલા સહારનપુરમાં બે આરોપીની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.પ્રયારાજના કારેલી વિસ્તારમાં આવેલું જાવેદ અહમદ નામના આરોપીનું મકાન ધ્વંસ કરાયું હતું.પોલીસે જાવેદ અહમદ ઉર્ફે પમ્પની શનિવારે ધરપકડ કરી હતી.

