સુરત : લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામે કરોડોનું યાર્ન ખરીદી પેમેન્ટ નહીં ચુકવી યાર્ન સસ્તામાં અન્ય વેપારીઓને વેચી દઇ ઓફિસ-ગોડાઉનને રાતોરાત તાળા મારી ફરાર થયેલા મહાઠગ મહેન્દ્ર દલાલ વિરુદ્ધ રૂ.40.21 લાખની ઠગાઈની વધુ એક ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ બોગસ નામ ધારણ કરી લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામે રૂ.1.81 કરોડનું યાર્ન ખરીદી રૂ.79.55 લાખનું પેમેન્ટ નહીં ચુકવી યાર્ન સસ્તામાં અન્ય વેપારીઓને વેચી દઇ ઓફિસને રાતોરાત તાળા મારી ફરાર થયેલા બે ભેજાબાજ પૈકી મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર કાશીરામ દલાલ(ઉ.વ.50,રહે.102,ધ્યાનયોગ એપાર્ટમેન્ટ,સુતરીયા ટાઉનશીપ,ઘોડદોડ રોડ,સુરત)ને આર્થિક ગુના નિવારણ શાખાએ અગાઉ વેસુ સફલ સ્કવેરની ઓયો હોટલમાંથી ઝડપી લીધો હતો.ગત માર્ચ માસમાં ઓફિસને તાળાં મારી ફરાર થયેલા મહેન્દ્ર દલાલ વિરુદ્ધ રૂ.40.21 લાખની ઠગાઈની વધુ એક ફરિયાદ ગતરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી.
મહેન્દ્ર દલાલે યાર્ન દલાલ બ્રીજેશસિંઘ રાજપુત મારફતે સુરતના ભટાર રોડ આશીર્વાદ પેલેસ એફ-1101 માં રહેતા અને સચીન જીઆડીસીમાં વૈભવલક્ષ્મી ટેક્ષટાઈલ પ્રા.લી.ના નામે યાર્ન બનાવતા 42 વર્ષીય સુમિતભાઈ દયાપ્રકાશ ખુરાના પાસેથી રૂ.14,25,694 નું,પ્રતીક એન્ટરપ્રાઈઝના નામે વેપાર કરતા રાજીવકુમાર દિલીપભાઈ ચૌધરી પાસેથી રૂ.11,38,897 નું અને ઓમસાંઈ એન્ટરપ્રાઈઝના નામે વેપાર કરતા તત્સત સુશીલભાઈ ત્રિવેદી પાસેથી રૂ.14,56,097 નું યાર્ન ખરીદી પેમેન્ટ નહીં કરી ઉઠમણું કર્યું હતું.કુલ રૂ.40,20,688 ની ઠગાઈ અંગે સુમિતભાઈએ ફરિયાદ નોંધાવતા આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઈ સાગર પ્રધાને મહાઠગ મહેન્દ્ર દલાલનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

